અમદાવાદ, તા. 26 (પ્રતિનિધિ તરફથી) : કચ્છ સહિત ગુજરાતના અનેક ભાગોમાં ઓછા વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂતો અને પશુપાલકોના હિતમાં સંવેદનશીલ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક બાદ કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જામનગર એમ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યા છે. અત્યાર સુધી કચ્છમાં રૂા. 2 કિલોના ભાવે 29.55 લાખ કિલો ઘાસનું વિતરણ કરી દેવાયું છે, તો જો પશુસહાય ચૂકવવી પડે તો જિલ્લામાં 10.47 લાખ ગાય-ભેંસની સંખ્યા નોંધાયેલી છે, એ જ રીતે ખેડૂતોને હેક્ટરદીઠ રૂા. 8500 ચૂકવવાની વાત છે, તો કચ્છના 2.45 લાખ ખેડૂતોને લાભ મળી શકે તેમ છે. મુખ્યમંત્રીએ રાહતનાં પગલાં રૂપે ખેડૂતોને પાકના નુકસાન સામે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂા. 8,500ની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત પશુપાલકોને રાહતદરે ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારી આપવાની જોગવાઈ પણ કરી છે, રાજ્ય સરકારે કરેલા આ નિર્ણયોનો અમલ તા. 01/11/2026થી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાતમાં અંદાજે 89 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદની અસમાન વહેંચણીને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પાક, પાણી અને પશુઓના ઘાસચારાને લઈને ચિંતા વધી છે. ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા-2016 મુજબ સ્થિતિનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર અને ભાણવડ તાલુકાઓનો સમાવેશ થાય છે. પોરબંદર જિલ્લામાં પોરબંદર અને કુતિયાણા, જામનગર જિલ્લામાં કાલાવડ, ધ્રોલ, જોડિયા, લાલપુર અને જામજોધપુર છે. કચ્છ જિલ્લામાં ભુજ, લખપત, અબડાસા, માંડવી, અંજાર, મુંદરા, ભચાઉ અને ગાંધીધામ તાલુકાઓનો સમાવેશ છે. અસરગ્રસ્ત ખેડૂતોને પાકના નુકસાન સામે પ્રતિ હેક્ટર રૂા. 8,500ની સહાય અને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓછા વરસાદને કારણે પાકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન અને સહાય માટેની પાત્રતા ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ રહેશે. ઓછા વરસાદથી પશુઓ માટે ઘાસચારાની અછત ઊભી ન થાય તે માટે રાહતદરે ઘાસચારો આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 1.21 કરોડ કિલોગ્રામ ઘાસચારાનું વિતરણ થયું છે અને રાજ્ય સરકાર પાસે ત્રણ કરોડ કિલોગ્રામ ઘાસચારો ઉપલબ્ધ છે. પશુપાલકોને પ્રતિ કિલો રૂા. બેના રાહતદરે ઘાસચારો મળે છે. જરૂરિયાત વધે તો વધારાનો જથ્થો ઉપલબ્ધ કરાવવાનું આયોજન પણ છે. અસરગ્રસ્ત તાલુકાઓમાં પશુઓ માટે આગામી બે મહિના સુધી સહાય યોજના અમલમાં રહેશે. ત્યારબાદ પણ જરૂરિયાત રહેશે તો સ્થિતિની સમીક્ષા કરીને આગળનો નિર્ણય લેવામાં આવશે. દુષ્કાળની સ્થિતિમાં ગ્રામ્ય પરિવારોની આજીવિકા જળવાઈ રહે તે માટે 150 માનવદિવસની રોજગારી આપવાનો નિર્ણય વર્ષ 2026થી અમલમાં મૂકવાનો છે.- વરસાદની ઘટ અંગેના આંકડા : અમદાવાદ, તા. 26 : માહિતી મુજબ, દેવભૂમિ દ્વારકામાં વરસાદની ઘટ 83 ટકા, પોરબંદરમાં 70 ટકા, જામનગરમાં 57 ટકા અને કચ્છમાં 42 ટકા છે. રાજકોટમાં 38 ટકા, બનાસકાંઠામાં 36.17 ટકા, સાબરકાંઠામાં 38.89 ટકા, અરવલ્લીમાં 37.11 ટકા, ગીર સોમનાથમાં 36.89 ટકા અને જૂનાગઢમાં 32.06 ટકાની ઘટ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો અને પશુપાલકોનાં હિતોને સરકારની પ્રાથમિકતા ગણાવ્યું છે. હવે સહાયના નિયમો, પાક નુકસાનના મૂલ્યાંકન અને રાહતનાં પગલાંનો અમલ અસરગ્રસ્ત પરિવારો સુધી ક્યારે પહોંચે છે તે મહત્ત્વપૂર્ણ રહેશે.