• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

અમેરિકી સૈન્ય બેઝ ઉપર ઉડયું 100 ફૂટનું યુએફઓ ?

નવી દિલ્હી, તા. 9 : અમેરિકામાં ફરી એક વખત આકાશમાં જોવા મળેલી અજાણી વસ્તુએ હલચલ મચાવી છે. દાવો છે કે અંદાજિત 100 ફૂટ લાંબી કાળી ત્રિકોણ વસ્તુ કોલોરાડોના એક સૈન્ય બેઝ ઉપર ઉડતી રેકોર્ડ થઈ હોવાના હેવાલ છે. આ ઘટના સંબંધિત બે ગુપ્ત વીડિયો અમેરિકી સરકારના તપાસના દાયરામાં છે. આ મામલે રિપોર્ટ પણ પ્રકાશિત થયો હતો. બાદમાં અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ વોરે કહ્યું હતું કે, અજાણી વસ્તુઓના દાવા મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, કથિત વીડિયો 2023માં સતત બે રાતમાં રેકોર્ડ કરવામાં આવ્યા હતા. કોલોરાડોના એક સૈન્ય બેઝ પાસે તૈનાત સર્વિસ મેમ્બરે પોતાના ખાનગી મોબાઈલથી વીડિયો રેકોર્ડ કર્યો હતો. ઘટના નજરે જોનારા લોકોએ દાવો કર્યો હતો કે, આકાશમાં જોવા મળેલી વસ્તુ ખૂબ મોટી અને કાળા રંગની હતી. તેનો આકાર ત્રિકોણ જેવો હતો. અને પહાડો ઉપરથી પસાર થતી જોવા મળી હતી. જો કે પૂરા બનાવનો વીડિયો હજી સુધી જાહેર કરવામાં આવ્યો નથી. આ કારણે સ્વતંત્ર રીતે તપાસ સંભવ બની શકી નથી. વધુમાં વસ્તુનો આકાર કેટલો મોટો હતો અને તેની દિશા શું હતી તે અંગે પણ કોઈ સ્પષ્ટ સૂચના મળી શકી નહોતી. બીજી તરફ સરકારે તમામ વીડિયોની તપાસ શરૂ કરી દીધી છે.

Panchang

dd