રાંચી, તા. 9 : ઝારખંડમાં પરીક્ષાઓમાં ગરબડોના વિરોધમાં રવિવારે
16મા દિવસે જારી આંદોલન વચ્ચે છાત્રો સાથે ત્રીજા દોરની બેઠક બાદ સોરેન સરકાર નમી
હોય તેવું જણાયું હતું. સરકારના મંત્રીઓએ છાત્ર નેતા દેવેન્દ્રનાથ મહતોને અનશન ખતમ
કરવાની અપીલ કરતાં લગભગ તમામ માંગો પૂરી કરવાની ખાતરી આપી હતી. જેપીએસસીની પરીક્ષા
રદ કરવાનો પણ નિર્ણય લીધો હતો અને જેપીએસસીના ત્રણ સભ્ય અજીતા ભટ્ટાચાર્ય, જમીલ અહમદ અને અનિમા હાંસદાએ પોતાના પદો પરથી રાજીનામું આપી દીધું
હતું. જોકે, છાત્રોએ
સીબીઆઇ તપાસની માંગ સાથે લડત જારી રાખી છે અને આવતીકાલે વિધાનસભા કૂચનું એલાન કર્યું
છે, જેને પગલે વિધાનસભા પાસે 163મી કલમ લાગુ કરાઇ છે. ચાર આઇપીએસ, 10 ડીએસપી સહિતનો પોલીસ કાફલો તૈનાત રહેશે. બેઠક દરમ્યાન અનશન પર બેઠેલા મહતો સાથે
સોરેન સરકારના મંત્રીઓ સુર્દિપ કુમાર સોનુ, દીપિકાસિંહ પાંડે, ચમરા લિંડા અને સંજયસિંહ
યાદવે વીડિયોકોલ મારફતે વાત કરી હતી. એવા પણ અહેવાલ મળ્યા હતા કે, ઝારખંડની સોરેન સરકાર પરીક્ષાઓમાં ગરબડોની ઇડી દ્વારા તપાસ કરાવવા પણ તૈયાર
થઇ ગઇ હતી. સાથોસાથ ત્રણેય પરીક્ષાઓ રદ કરવા માટે પણ સરકારે સહમતી બતાવી હતી. ટીડીપીએલ
એજન્સી દ્વારા લેવાયેલી તમામ પરીક્ષાઓની પણ તપાસ કરાવવાની ખાતરી અપાઇ હતી. એ સિવાય
સોરેન સરકારે જણાવ્યું હતું કે, જેપીએસસી અને જેએસએસસી સુધારા
માટે આઇઆઇએમની મદદ લેવાશે. વીડિયો કોલથી વાતચીતમાં મહતોએ તમામ મંત્રીઓનો આભાર માનતાં
કહ્યું હતું કે, જ્યાં સુધી છાત્રોની માંગ લેખિત સ્વરૂપે પૂરી
નહીં થાય ત્યાં સુધી ભૂખ હડતાળ જારી રહેશે. બીજી તરફ આદિવાસી દિવસ કાર્યક્રમમાં પહોંચેલા
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું હતું કે, અમે ચોરી
પકડી લીધી છે. પ્રદર્શન કરી રહેલા યુવાન છાત્રોને ન્યાય મળશે. જેમણે પણ ગરબડ કરી છે,
તે તમામ અપરાધીઓને કઠોર દંડ, સજા કરાશે તેવી ખાતરી મુખ્યપ્રધાને
આપી હતી. દરમ્યાન, રાજધાની રાંચીમાં આંદોલન કરી રહેલા છાત્રોએ
પરીક્ષા કૌભાંડ મામલે સરકારને આખરીનામું આપતાં આજે ફરી એલાન કર્યું હતું કે,
આવતીકાલે સોમવારે રાજ્ય વિધાનસભાને ઘેરાવ કરાશે. બીજી તરફ ડુમરીના ધારાસભ્ય
અને જેએલકેએમ નેતા જયરામ મહતોએ છાત્રોનાં સમર્થનમાં વિધાનસભા પરિસરની બહાર રવિવારે
એક દિવસનું નિર્જળા અનશન કર્યું હતું. જયરામે અનશન પર બેસતાં જણાવ્યું હતું કે,
આ મામલાની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવી જોઇએ.