• શનિવાર, 13 જૂન, 2026

યુદ્ધ ખતમ; ટ્રમ્પના ગૂડ ન્યૂઝને સેન્સેક્સની સલામી

અમેરિકી પ્રમુખે કહ્યું : ઈરાન અણુ હથિયારો નહીં બનાવે  : ઈરાને કહ્યું, હજુ સમજૂતી થઈ નથી : વોશિંગ્ટન, તા. 12 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે દાવો કર્યો હતો કે, અમેરિકાએ ઈરાન સાથે યુદ્ધ ખતમ કરી દીધું છે. હવેથી ઈરાન કદી પણ પરમાણુ હથિયાર નહીં બનાવે તેવો દાવો પણ તેમણે આજે કર્યો હતો. દરમ્યાન, ઈરાનના વિદેશમંત્રી અરાઘચીએ જણાવ્યું હતું કે, બંને દેશ શાંતિ સમજૂતીની સૌથી નજીક પહોંચી ગયા છે. સમજૂતી પૂરી થયા પછી બધી વિગતો જાહેર કરાશે, ત્યાં સુધી તેની શરતો વિશે ખોટી અટકળો નહીં કરવાની અપીલ અરાઘચીએ કરી હતી. રસપ્રદ હકીકત તો એ બની કે, ટ્રમ્પે પણ ઈરાની વિદેશમંત્રીની આ પોસ્ટ શેર કરી હતી. આમ, હવે યુદ્ધની આગ શમે તેવો સંકેત મળ્યો હતો. અગાઉ ઈરાને ટ્રમ્પના આ દાવાને ફગાવી દીધો હતો. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘઈએ કહ્યું હતું કે, શાંતિ સમજૂતી પર હજુ સુધી કોઈ અંતિમ ફેંસલો નથી લેવાયો. જો કે, મોડેથી ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સાથે ડીલ હજી ફાઈનલ થઈ નથી, પણ ટૂંક સમયમાં થઈ જશે, તો ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ પણ કહ્યું હતું કે, સમજૂતી હજુ નિશ્ચિત બની નથી. એ પહેલાં ટ્રમ્પે વ્હાઈટહાઉસમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ લીડર મુજતબા ખોમેનીએ નવી ડીલને અંતિમ મંજૂરી આપી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ એવું પણ કહ્યું હતું કે, ઈરાન સાથે શાંતિ સમજૂતી પર ચાલુ સપ્તાહે જ યુરોપમાં હસ્તાક્ષર થઈ શકે છે. અમેરિકા સાથે વધતી સૈન્ય તાણ વચ્ચે ઈરાને દાવો કર્યો હતો કે, હોર્મુઝ પર અમારું સંપૂર્ણ નિયંત્રણ છે. ઈરાની સેનાના વરિષ્ઠ અધિકારી એડમિરલ હબીબોલ્લાહ સય્યારીએ કહ્યું હતું કે, આ સમુદ્રી માર્ગથી કોઈ પણ જહાજ ઈરાનની મંજૂરી વિના પસાર થઈ શકશે નહીં. અમેરિકાની અંદરથી જ ઈરાન સાથે સંઘર્ષ ખતમ કરવા માટે ટ્રમ્પ પર દબાણ વધી રહ્યું છે. અમેરિકી જનતા પણ યુદ્ધની આર્થિક અસરોથી અકળાવા માંડી છે. -  સેન્સેક્સમાં 1695નો ઉછાળો : રોકાણકારોની મૂડી દસ લાખ કરોડ વધી : નવી દિલ્હી, તા. 12 : ઈરાન યુદ્ધ ખતમ થવા અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો સહિતના પરિબળોને પગલે અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસે સેંસેક્સ અને નિફ્ટી-50માં શાનદાર તેજી જોવા મળી હતી અને 2-2 ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા. આઈટી સેક્ટરમાં થોડું દબાણ રહ્યું હતું પણ અમુક સેક્ટર્સમાંથી બજારને જોર મળતા રોકાણકારોની સંપત્તિમાં 10 લાખ કરોડથી વધારે વધી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીના અહેવાલોએ માર્કેટમાં રોનક બતાવી હતી અને સેંસેક્સ તેમજ નિફ્ટી 1-1 ટકાથી વધુની બઢત સાથે ખુલ્યા હતા અને ડીલની વાત સામે આવતા જ અંતિમ બે કલાકમાં બઢત 2 ટકાએ પહોંચી હતી. સેંસેક્સ 1675.40 પોઈન્ટ એટલે કે 2.30 ટકાના ઉછાળા સાથે અને નિફ્ટી-50 461.30 પોઈન્ટ એટલે કે 1.99 ટકાના વધારા સાથે 23,622.90એ તો નિફ્ટી 461 અંકના વધારા સાથે 23623 પર બંધ રહી હતી. આ અગાઉ 11મી જૂને બીએસઈ ઉપર લિસ્ટેડ તમામ શેરની બજાર મૂડી 4,51,83,025.178 કરોડ હતી. જે 12મી જૂને વધીને 4,62,05,607.73 કરોડે પહોંચી હતી. એટલે કે રોકાણકારોની મુડીમાં 10,22,582.552 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઈ હતી. સેંસેક્સમાં લિસ્ટેડ 30 શેરમાંથી માત્ર બે જ  લાલ નિશાનમાં બંધ થયા હતા. બીએસઈ ઉપર કુલ 4422 શેરમાં કારોબાર થયો હતો. જેમાં 3234 શેર મજબુત થયા હતા, જ્યારે 1030માં ઘટાડો આવ્યો હતો. બજારમાં શુક્રવારે તેજીની ચાલ જોવા મળી તેની પાછળના મહત્ત્વનાં કારણોમાં યુએસ ઈરાન સમજૂતી પર હસ્તાક્ષર એકબે દિવસમાં થયા પછી હોર્મુઝ સ્ટ્રેઇટ અવરજવર માટે ખૂલવાની સંભાવના, બ્રેન્ટ ક્રૂડ ઘટીને 90 ડૉલરથી નીચે જવાના પગલે ફુગાવામાં સંભવિત રાહત, 60 દિવસ માટે તમામ મોરચે યુદ્ધવિરામની સંભાવના અને ફ્રન્ટલાઇન શૅરો સાથે મિડકૅપમાં પણ વેચાણો કપાવા ઉપરાંત નવી લેવાલી જેવાં કારણોએ ભાગ ભજવ્યો હતો.  

Panchang

dd