કોલકાતા, તા. 23 : પશ્ચિમ બંગાળમાં ગુરુવારે પહેલા
તબક્કાના મતદાન દરમિયાન હિંસાના બનાવો સામે આવ્યા હતા. પુરા રાજ્યમાં હિંસાનો માહોલ
રહ્યો હતો. આસનસોલ, માલદા,
કૂચબિહાર, સિલીગુડી, મુર્શિદાબાદ
તમામ જગ્યાએથી ઘર્ષણના અહેવાલો સામે આવ્યા હતા. ઉમેદવારોને ઘેરીને અને દોડાવીને માર
મારવામાં આવ્યો હતો. અમુક જગ્યાએ લાઠીચાર્જ થયો હતો તો ઘણા સ્થળે નેતાઓ ઉપર પથ્થરમારો
કરવામાં આવ્યો હતો. દક્ષિણ દિનાજપુરના કુમારગંજમાં
ભાજપ ઉમેદવાર સુવેન્દુ સરકાર ઉપર કથિત રીતે ટીએમસી સમર્થકોએ હુમલો કર્યો હતો. સુવેન્દુએ
આરોપ મુક્યો હતો કે પોલીસની હાજરીમાં ટીએમસીના ગુંડાઓએ હુમલો કર્યો હતો. આસનસોલમાં
ભાજપ વિધાયક અગ્નિમિત્રા પોલની કાર ઉપર અજ્ઞાત લોકોએ હુમલો કર્યો હતો. બનાવ રહમતનગરમાં
બની હતી. તેઓ મતદાન કેન્દ્રોનું નિરીક્ષણ કરીને આગળ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી કાર
ઉપર પથ્થર ફેંકવામાં આવ્યો હતો. આ બનાવમાં સુરક્ષા ટીમના સભ્યોને હળવી ઈજા પહોંચી હતી.
બંગાળના કેશપુરમાં મત આપ્યા બાદ બૂથની સામે જ એક મહિલાનું મૃત્યુ થયું હતું. જો કે
આ બનાવને ચૂંટણી હિંસા સાથે જોડવામાં આવી નહોતી. બીજી તરફ મુર્શિદાબાદમાં હુમાયુ કબીર
અને ટીએમસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. એજેયુપી પ્રમુખ અને રેજીનગર ઉમેદવાર હુમાયુ
કબીર એક ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યારે ટીએમસી સમર્થકો સાથે મારામારી થઈ હતી. સ્થળ
ઉપર રહેલી પોલીસ સાથે પણ હુમાયુની બોલાચાલી થઈ હતી. કહેવાય છે કે હુમલાખોરોએ હુમાયુની
કારની ઘેરી લીધી હતી. તેઓના હાથમાં પથ્થર, લાકડી વગેરે હતા. માલદા
જીલ્લાના હરિશ્ચંદ્રપુર વિધાનસભા ક્ષેત્રમાં ટીએમસીના જ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી
અને એક ચૂંટણી કેમ્પની ઓફિસમાં જોરદાર તોડફોડ કરવામાં આવી હતી. સિલીગુડીના જગદીશ ચંદ્ર વિદ્યાપીઠ સ્થિત બુથમાં
મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે બહાર ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે અચાનક
ઉગ્ર બલાચાલી હતી અને જોતજોતામાં મામલો હાથચાલાકી સુધી પહોંચી ગયો હતો. માલદાના મોથાબાડીમાં
ઈવીએમ ખરાબ થઈ જતા મતદારો રોષે ભરાયા હતા અને અધિકારીઓને ઘેરી લીધા હતા. અમુક મતદાતા
સેક્ટર અધિકારીને હાથ પકડીને બહાર ખેંચતા અને મારામારી કરતા જોવા મળ્યા હતા. કુચબિહારના
તુફાનગંજમાં મતદાન દરમિયાન ભારે ભીડ એકત્રિત થતા સ્થિતિ તણાવ ભરેલી બની હતી. બાદમાં
સીએપીએફના જવાનોએ મોરચો સંભાળ્યો હતો અને લાઠીચાર્જ કરીને ભીડને ખદેડી હતી.