• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

પ.બંગાળમાં હિંસા વચ્ચે મતદારોનો `ખેલા'; વિક્રમી 92%

નવી દિલ્હી, તા. 23 : પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ગુરૂવારે બમ્પર અને ઐતિહાસિક મતદાન થયું હતું અને તીવ્ર ગરમી વચ્ચે મતદાતાઓના જુસ્સાને ચૂંટણીપંચ દ્વારા પણ સલામ ભરવામાં આવી હતી. બંગાળની 294 સીટમાંથી 152 સીટ ઉપર પહેલા તબક્કામાં હિંસાના સંખ્યાબંધ બનાવો વચ્ચે વિક્રમી 92.14 ટકા મતદાન થયું હતું. જ્યારે તમિલનાડુમાં તમામ 234 સીટ ઉપર પણ નોંધપાત્ર 84.95 ટકા મતદાન થયું હતું. બન્ને રાજ્યોમાં આઝાદી બાદનું સૌથી વધારે મતદાન નોંધાયું છે. આ પહેલા તામિલનાડુમાં 2011માં સૌથી વધારે 78.29 ટકા રહ્યું હતું. જ્યારે બંગાળમાં 2011માં 84.72 ટકા મતદાન નોંધાયું હતું. બંગાળમાં ભારે મતદાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની, તો મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસની જીતના દાવા કર્યા હતા. એસઆઇઆરની કવાયતને પગલે ચર્ચિત બનેલી બંગાળમાં સૌથી વધારે મતદાન રઘુનાથગંજ વિધાનસભા સીટ ઉપર થયું હતું. જ્યાં 95 ટકા મતદાતાઓએ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો. બંગાળમાં જે સીટ ઉપર આકરી ટક્કર માનવામાં આવે છે તેમાં નંદીગ્રામ, ખડગપુર, પુરૂલિયા, બાંકુરા અને ઝારગ્રામની સીટ સામેલ છે. રાજ્યમાં હવે બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલના રોજ થશે. જેમાં 142 સીટ સામેલ છે. ભારતના મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં આ વખતે આઝાદી બાદથી અત્યાર સુધીનું સૌથી વધારે મતદાન થયું છે. તેમણે તમામ મતદાતાઓની સરાહના કરી હતી અને કહ્યું હતું કે, ચૂંટણીપંચ તમામ મતદારને સલામ કરે છે. જેઓને મોટી સંખ્યામાં આવીને પોતાના મતનો ઉપયોગ કર્યો છે. તામિલનાડુની તમામ 234 એક જ તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે પશ્ચિમ બંગાળની 152 સીટ ઉપર પહેલા તબક્કામાં મતદાન થયું હતું. બંગાળની ચૂંટણીમાં પહેલા તબક્કામાં જનતાએ 1478 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો કર્યો હતો. બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે યોજાશે. પશ્ચિમ બંગાળમાં  એક તરફ ટીએમસી અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો  છે. જ્યારે તામિલનાડુમાં ડીએમકેની આગેવાનીના ઈન્ડિ ગઠબંધન અને એઆઈએડીએમકે-ભાજપના એનડીએ વચ્ચે ટક્કર છે. બંગાળમાં ચૂંટણી દરમિયાન અલગ અલગ જિલ્લામાંથી તણાવ અને ઘર્ષણના અહેવાલ સામે આવ્યા હતા. આ દરમિયાન તમિલનાડુમાં મતદાન શાંતિપૂર્ણ રીતે થયું હતું. મમતા બેનરજીએ ચૂંટણી બાદ કહ્યું હતું કે, બંગાળની જનતાએ એસઆઈઆરના વિરોધમાં  બમ્પર મતદાન કર્યું છે. જ્યારે ગૃહમંત્રી શાહે કહ્યું હતું કે, ટીએમસીનો સુરજ હવે ડૂબી ચુક્યો છે. આ અગાઉ આસામ, કેરળ અને પુડ્ડુચેરીમાં પણ નવમી એપ્રિલે રેકોર્ડ મતદાન થયું હતું. આસામના ઈતિહાસમાં સૌથી વધારે 85.91 ટકા, પુડ્ડુચુરીમાં 90 ટકા અને કેરળમાં 1987 બાદનું સૌથી વધારે 78.27 ટકા મતદાન થયું હતું. પાંચેય રાજ્યની વિધાનસભા ચૂંટણીનું પરિણામ  4 મેના રોજ એકસાથે આવશે. 

Panchang

dd