સકતી (છત્તીસગઢ), તા. 14 (પીટીઆઇ)
: છત્તીસગઢના સકતી જિલ્લામાં મંગળવારે એક પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટવાથી 11 કામદારનાં મોત થયાં હતાં અને
30 લોકો ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસ અધિક્ષક પ્રફુલ્લ
ઠાકુરે પીટીઆઇને જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી અનુસાર,
બપોરે સિંધીતરાઇ ગામમાં વેદાંતા લિમિટેડ પાવર પ્લાન્ટમાં બોઇલર ટયૂબમાં
વિસ્ફોટ થયો હતો. 11 કામદારનાં
મોત થયાં છે અને 30 ઘાયલ થયા
છે. એમ કહેતાં `તેમણે ઉમેર્યું હતું કે, ત્રણ પીડિતનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં,
જ્યારે અન્ય લોકોએ હોસ્પિટલોમાં સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. તેમણે
જણાવ્યું હતું કે, ઘાયલોને પડોશી રાયગઢ જિલ્લાની હોસ્પિટલોમાં
સારવાર આપવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યું કે, સ્થાનિક વહીવટીતંત્ર
અને પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમણે કહ્યું
કે, બોઇલરની આસપાસનો વિસ્તાર અત્યંત ગરમ હોવાથી કામદારો અને સ્ટાફને
આસપાસના વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, હજુ પણ વધુ લોકો ફસાયેલા છે કે કેમ
તે તપાસવા માટે બચાવ કામગીરી ચાલુ છે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઇએ આ ઘટનાને `અત્યંત દુ:ખદ' ગણાવી અને કહ્યું કે, સરકાર મૃતકોના પરિવારો સાથે ઊભી છે.