• બુધવાર, 15 એપ્રિલ, 2026

ગાંધીધામમાં રાંધણગેસ બોટલનું કૌભાંડ ઝડપાયું : એક રાઉન્ડ-અપ

ગાંધીધામ, તા. 14 : શહેરના ઈન્દિરાનગર રેલવે ફાટક નજીક ઓરડીમાં કોમર્શિયલ ગેસના બાટલામાંથી ઘરેલુ ગેસના બાટલા ભરી લોકોને બારોબાર વેચવાનું કૌભાંડ કરતા શખ્સને પોલીસે રાઉન્ડ-અપ કર્યો હતો, તેની પાસે બાટલા ક્યાંથી આવ્યા તે અંગે નીતિમત્તા અને તટસ્થતાથી તપાસ કરાય તો અમુક કર્મીઓ સુધી રેલો પહોંચે તેમ છે. શહેરના ઈન્દિરાનગર રેલવે ફાટક પાસે ઓરડીમાં નિર્મલસિંઘ માધુસિંહ રાજપૂત નામનો શખ્સ બારોબાર ગેસના બટલા વેચતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. આ ઓરડીમાંથી પકડાયેલા નિર્મલસિંઘને સાથે રાખી તપાસ કરાતાં કોમર્શિયલ અને ઘરેલુ ગેસના ભરેલા તથા ખાલી બાટલા, વજનકાંટો, નાના વાલ્વ મળી આવ્યા હતા. આ શખ્સ ગ્રાહકને ખાલી બોટલ લઈ આવે તેને ભરેલા બોટલ વેચતો હતો તેમજ તેની પાસે ભરેલા બોટલ ખાલી હોય તો કોમર્શિયલ બોટલમાંથી વાલ્વ મારફતે ઘરેલુ બોટલ ભરી આપી વજન કરી ગ્રાહકોને પધરાવી દેતો હતો. તેની પાસેથી એચ.પી., ઈન્ડેન, રિલાયન્સ કંપનીના ખાલી, ભરેલા, બોટલ, વજનકાંટો, વાલ્વ વગેરે મળીને કુલ રૂા. 29,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ શખ્સે ભરેલા બોટલ ક્યાંથી ? કેવી રીતે મેળવ્યા હતા ? કઈ કંપનીનો કયો કર્મચારી તેની સાથે સંકળાયેલો છે ? તે સહિતની તટસ્થ તપાસ કરવામાં આવે તો આવા કૌભાંડના મૂળિયા સુધી પહોંચી શકાય તથા આવા બનાવો બનતાં અટકે તેમ હોવાનું જાણકાર લોકોએ જણાવ્યું હતું. 

Panchang

dd