ભુજ, તા. 14 : છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીનો
પારો ઊંચકાયો છે. આ વચ્ચે બપોરે ગગનમાંથી આગ વરસે છે ત્યારે ગઈકાલે બપોરે ભુજના રાજન
શોરૂમથી બુધરમલ પેટ્રોલપંપ વચ્ચે એક ઊભેલી ફોરવ્હીલ ગાડીનો છાંયડો જોઈ ચપરેડીના 76 વર્ષીય વૃદ્ધા ખતુબેન હારૂનભાઈ
ખલીફા ગાડીની આગળ બેસી ગયા હતા. ચાલકે ગાડી ચાલુ કરી વૃદ્ધાને ઘસડી નાખતાં ગંભીર ઈજાનાં
પગલે તેમનું કરુણ મૃત્યુ થયું હતું. આ કરુણ બનાવ અંગે આજે બીઅડિવિઝન પોલીસ મથકે ભુજમાં
રહેતા મહમદ રિયાઝ અદ્રેમાન ખલીફાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના દાદીમા ખતુબેન હારૂનભાઈ
ખલીફા કાકા દાઉદ સાથે ચપરેડીમાં રહે છે, પરંતુ ચાર-પાંચ દિવસથી અમારા ઘરે આવ્યા હતા. ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે ચપરેડી
જવા તે અમારા ઘરેથી નીકળ્યા હતા. બપોરે રાજન શોરૂમથી બુધરમલ પેટ્રોલપંપ વચ્ચે ફોરવ્હીલ
ગાડી નં. જીજે-05-સીઆર-6883વાળી ગાડી ઊભી હતી. તે ગાડી
આગળનો છાંયડો જોઈ ખતુબેન ગાડી આગળ બેસી ગયા હતા. દરમ્યાન ગાડીમાં બે શખ્સ એસી ચાલુ
કરીને બેઠા હતા. તેઓને બીજે જવાનું થતાં ગાડી ચાલુ કરી ચલાવતાં વૃદ્ધ ગાડી નીચે આવી
ગયા હતા. ગંભીર રીતે ઘાયલ લોહીલુહાણ હાલતમાં ખતુબેનને 108 મારફત જી.કે. જનરલ હોસ્પિટલ
ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી બેદરકારી
અને ગફલતભરી રીતે ચલાવી આગળ બેઠેલા ફરિયાદીના દાદી ખતુબેન સાથે ભટકાડી અકસ્મત કરી તેમને
ઘસડી હાથમાં ફ્રેકચર તથા શરીરે ઈજા પહોંચાડી મોત નીપજાવ્યા અંગેની ફરિયાદ નોંધાવતાં
પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.