ભુજ, તા. 14 : જેલમાં પ્રતિબંધિત એવા મોબાઇલ
મળ્યાના અનેક બનાવો અગાઉ સામે આવી ચૂક્યા છે, પરંતુ તેના ઉપયોગકર્તા અને આ મોબાઇલ કઇ રીતે ઘૂસે છે, તે ક્યારેય બહાર આવતું નથી. આ વચ્ચે ગઇકાલે પાલારા ખાસ જેલમાંથી સંડાર-બાથરૂમની
ચેમ્બરમાંથી એક મોબાઇલ સીમ સાથે મળ્યાનો બનાવ સામે આવ્યો છે. ગઇકાલે સાંજે પાલારા ખાસ
જેલમાં સ્થાનિકની ઝડતી સ્ક્વોડે નિયમિત તપાસણી મુજબ ઝડતીની કાર્યવાહી દરમ્યાન યાર્ડ-11ના બેરેક નં. 9ની અંદરના સંડાસ-બાથરૂમની ચેમ્બરની અંદર
છૂપાવી રાખેલો પ્રતિબંધિત એક મોબાઇલ મળ્યો હતો, જેમાં વી.આઇ. કંપનીનો સીમકાર્ડ હતો. મોબાઇલ-સીમની સાથે ચાર્જિંગ કેબલ પણ મળ્યો
હતો. બી-ડિવિઝન પોલીસ મથકે પ્રિઝન એક્ટ તળે ગુનો દાખલ કરાવાયો હતો. આ મળી આવેલા પ્રતિબંધિત
મોબાઇલને એફએસએલ ખાતે મોકલી તેની ચકાસણી કરવામાં આવે, તો ઘણી
બાબતોનો ખુલાસો થઇ શકે તેમ છે. આ ફોન કયા-કયા આરોપી-કેદીએ અનઅધિકૃત રીતે ઉપયોગ કર્યો
છે કે કેમ ? ફોન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ પ્રસ્થાપિત કરવામાં
આવી છે ?, આ પ્રતિબંધિત ફોન જેલની અંદર ઘૂસાડવામાં જેલ ખાતાના
કોઇ કર્મચારી કે અન્ય કોઇ સંડોવાયેલા છે કે કેમ ? આ અંગેની ઊંડાણપૂર્વકની
ઘનિષ્ઠ તપાસ થવી જરૂરી છે તેવું ફરિયાદમાં લખાવાયું છે. અત્રે નોંધનીય છે કે,
જેલમાંથી આ રીતે અગાઉ અનેક વખત મોબાઇલ મળી ચૂક્યા હોવા છતાં તેનું પગેરું
દબાવી શકાયું નથી.