• બુધવાર, 15 એપ્રિલ, 2026

સ્ટાર્ક અને દીપ્તિને શ્રેષ્ઠ ક્રિકેટરનો એવોર્ડ

લંડન, 14 (પીટીઆઈ) : વિઝડન અલ્માનેક 2026ના મંગળવારે જાહેર કરાયેલા સન્માનમાં નવમાંથી સાત પુરસ્કાર ભારતીય ક્રિકેટરોએ મેળવ્યા હતા, જેમાં દીપ્તિ શર્મા અને અભિષેક શર્મા અનુક્રમે મહિલા ક્રિકેટર ઓફ ધ યર અને ટી-20 ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ થયા હતા, તો ઓસ્ટ્રેલિયાના અગ્રણી ઝડપી બોલર મિશેલ સ્ટાર્કને વિશ્વનો પુરુષ ક્રિકેટર જાહેર કરાયો હતો. જ્યારે શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ, રિષભ પંત અને રવીન્દ્ર જાડેજાને ગયા વર્ષે ઈંગ્લેન્ડમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં તેમના પ્રદર્શન બદલ વિઝડનના પાંચ ક્રિકેટર્સ ઓફ ધ યરમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ગયા વર્ષે આઈસીસી મહિલા વન-ડે વર્લ્ડ કપમાં 22 વિકેટ સાથે ટોચની વિકેટ લેનાર બોલર તરીકે ઉભરી આવ્યા બાદ દીપ્તિએ આ સન્માન મેળવ્યું હતું. ઓલરાઉન્ડરના પ્રયાસથી ભારતને મુંબઈમાં રમાયેલી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને પ્રથમ વૈશ્વિક ખિતાબ જીતવામાં મદદ મળી હતી. ભારતીય સિવાયના એકમાત્ર વિજેતાઓમાં ઓસ્ટ્રેલિયાના અગ્રણી ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કને વિશ્વના પુરુષ ક્રિકેટર તરીકે સન્માન પ્રાપ્ત થયું હતું. ઈંગ્લેન્ડના બેટ્સમેન હસીબ હમીદને વર્ષના પાંચ ક્રિકેટર્સ ઓફ ધ યરમાં પણ સામેલ કરાયો હતો.  અભિષેકે 2025 સિઝનમાં 21 મેચમાં 193ના શાનદાર સ્ટ્રાઇક-રેટથી 859 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે.  ભારતના ટેસ્ટ કેપ્ટન ગિલ 754 રન બનાવ્યા હતા, તેણે ભારતને પાંચ મેચની શ્રેણીમાં 2-2 થી ડ્રો કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નોંધનીય છે કે, તેણે ફક્ત એજબેસ્ટન ટેસ્ટમાં 430 રન બનાવ્યા હતા.  એન્ડરસન-તેંડુલકર ટ્રોફી શ્રેણીમાં સિરાજ સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો, તેણે 23 વિકેટ લીધી હતી, જ્યારે પંતે 479 રન બનાવ્યા હતા, પરંતુ ચોથી ટેસ્ટમાં થયેલી ઈજાને કારણે તેને પાંચમી મેચમાંથી બહાર બેસવાની ફરજ પડી હતી. માન્ચેસ્ટર ખાતેની બીજી ઇનિંગ્સમાં તેણે પગના અંગૂઠામાં ફ્રેક્ચર હોવા છતાં 54 રન બનાવ્યા હતા. 

Panchang

dd