• બુધવાર, 15 એપ્રિલ, 2026

ડિજિટલ ગુના દેશ સામે નવાં જોખમ

અમદાવાદ, તા. 14 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ પ્રશિક્ષણ ક્ષેત્રે દેશની અગ્રણી સંસ્થા, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી  (આરઆરયુ) ખાતે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને પાંચમો દીક્ષાંત સમારોહ સંપન્ન થયો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલને રાષ્ટ્રપતિના હસ્તે માનદ્ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આ સાથે વિવિધ વિદ્યાશાખાના સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.ના કુલ 562 વિદ્યાર્થીને પદવી એનાયત કરવામાં આવી હતી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિએ બદલાતા સમયના સુરક્ષા પડકારો અંગે વાત કરતાં ભારપૂર્વક જણાવ્યું કે, વર્તમાન સમયમાં ડિજિટલ યુગનાં આગમન સાથે સાયબર ક્રાઈમ, ફાશિંગ એટેક અને ડેટા સુરક્ષા જેવાં નવાં જોખમો દેશ સામે મોટા ખતરા તરીકે ઉભરી આવ્યાં છે. આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જેવી સંસ્થાઓનું મહત્ત્વ અને જવાબદારી અનેકગણી વધી જાય છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, દેશને આજે એવા કુશળ પોલીસ અધિકારીઓની જરૂર છે જે સાયબર ગુનેગારોને પકડવા અને તેમને સજા અપાવવા માટે તકનીકી રીતે સક્ષમ અને સશક્ત હોય. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે યુવા શક્તિને દેશભક્તિના સંકલ્પ સાથે રાષ્ટ્રીય સુરક્ષાનાં મિશનમાં જોડાવા આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, દેશનું યુવાધન સાચી દિશામાં આગળ વધી રહ્યું છે અને આંતરિક તથા બાહ્ય સુરક્ષાને અભેદ્ય બનાવવા માટે સજ્જ છે. રાષ્ટ્રના વિકાસ માટે સમર્પણ અને તપસ્યા અનિવાર્ય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદવી મેળવી રહેલા વિદ્યાર્થીઓ-અધિકારીઓને રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે દેશ માટે સમર્પિત રહેવાની પ્રેરણા આપી હતી. માનદ્ ડોક્ટરેટની પદવી સ્વીકારતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલે રાષ્ટ્રીય સુરક્ષાને એક જટિલ વિષય ગણાવતા ઉમેર્યું કે, સુરક્ષા માત્ર સૈન્ય શક્તિ કે ટેક્નોલોજી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં રાષ્ટ્રનું મનોબળ અને જનમાનસની જાગૃતિ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે.  

Panchang

dd