• રવિવાર, 05 એપ્રિલ, 2026

ગુજરાતનું સંયુક્ત ઈતિહાસમાં મહત્ત્વનું સ્થાન : ઈરાન

નવી દિલ્હી, તા. 4 : ઈરાન યુદ્ધ વચ્ચે ભારત માટે વધુ એક રાહતનાં સમાચાર આવ્યાં છે. ભારતીય ઝંડાવાળા એલપીજી ટેન્કર ગ્રીન શાન્વીએ પણ 3 એપ્રિલની રાતે હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષિત પસાર કરી લીધું છે. આ જહાજમાં આશરે 46,60 મેટ્રિક ટન એલપીજી લાદેલો છે. આ ઉપરાંત બે દિવસમાં ગ્રીન આશા અને જગ વિક્રમ નામક જહાજ પણ એલપીજી લઈને હોર્મુઝમાંથી પસાર થઈ જશે. આ સાથે જ ઈરાને એવો મૈત્રીભર્યો સંદેશ પણ આપ્યો હતો કે, ભારત અને ખાસ કરીને ગુજરાત આપણા સંયુક્ત ઈતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી એલપીજી ટેન્કરના પસાર થવાને ભારત માટે રાજદ્વારી વિજય ગણાવ્યો હતો, જેના જવાબમાં ઈરાની કોન્સ્યુલેટ જનરલે જવાબ આપ્યો હતો કે, `ભારત, ખાસ કરીને ગુજરાત આપણા સહિયારા ઈતિહાસમાં એક ખાસ સ્થાન ધરાવે છે. સદીઓ પહેલાં તેના લોકોએ અમારી જમીન પરથી ગયેલાઓનું ગરિમાભેર સ્વાગત કર્યું હતું.' તેમણે ગુજરાતના પ્રાચીન બંદર લોથલનો ઉલ્લેખ કર્યો હતો, જે લગભગ 4000 વર્ષ પહેલાં સિંધુ ખીણના શહેરોને પર્શિયન કિનારા સાથે જોડતું હતું. ઈરાને કહ્યું હતું કે, આ અતૂટ બંધનના આધારે અમે મિત્રતા અને સહયોગના અમારા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. પશ્ચિમ એશિયાના તણાવના હિસાબે હોર્મુઝમાંથી જહાજનું પરિવહન મોટો પડકાર બની ગયો છે. તા. 28મી ફેબ્રુઆરીએ આ યુદ્ધ શરૂ થયા બાદ ત્યાંથી જહાજનું વહન લગભગ બંધ જેવું થઈ ગયું હતું, પણ ભારતે કૂટનીતિક પ્રયાસો અને નૌસેનાની મદદથી અત્યાર સુધીમાં 8 જહાજને હોર્મુઝ પાર કરાવી લીધાં છે. આ સંખ્યા કોઈ પણ દેશ માટે યુદ્ધ શરૂ થયા બાદ સૌથી વધુ જહાજ પસાર કરાવી લેવામાં સૌથી વધુ પૈકી છે. અત્યાર સુધીમાં હોર્મુઝમાંથી પસાર થઈ ગયેલાં ભારતીય જહાજોમાં શિવાલિક, નંદાદેવી, પાઈન ગેસ, જગ વસંત, બીડબલ્યુ ટાયર, બીડબલ્યુ એલ્મ, જગ લાડકી અને ગ્રીન શાન્વીનો સમાવેશ થાય છે. આ જહાજો મુંદરા, કંડલા, મુંબઈ અને ન્યૂ મેંગ્લોર સહિતનાં બંદરો ઉપર આવ્યાં હતાં અને તેમાં ક્રૂડ ઓઈલ અને એલપીજી લાવવામાં આવ્યા હતા.  ફારસની ખાડીમાંથી ભારતીય જહાજોને સલામત બહાર લાવવા માટે ભારતે બેવડી રણનીતિ અપનાવી છે. એક બાજુ ઈરાન સાથે સીધો કૂટનીતિક સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો અને તેના હિસાબે ઈરાની તટ નજીકથી આ જહાજોને પસાર થવાની અનુમતી મળી ગઈ. બીજીબાજુ ભારતીય નૌસેનાએ ઓપરેશન ઊર્જા સુરક્ષા હેઠળ ઓમાનની ખાડીમાં યુદ્ધ જહાજો તૈનાત કર્યાં, જેમણે હોર્મુઝમાંથી નીકળ્યા બાદ માલવાહક જહાજોને રક્ષા પૂરી પાડી હતી. નૌસેના દ્વારા હોર્મુઝમાં પ્રવેશ કરવામાં નથી આવ્યો, પણ ત્યાંથી ભારતીય જહાજો અને ખલાસીઓની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરી લેવામાં આવી છે. 

Panchang

dd