નવી દિલ્હી, તા. 4 : પશ્ચિમ એશિયાનું
યુદ્ધ શમવાને બદલે વધુને વધુ ભડકવા લાગ્યું હોય તેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. અમેરિકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડી ખોલવા માટે ઇરાનને 48 કલાકનું આખરીનામું આપ્યું છે.
અમેરિકા અને ઈઝરાયલે આજે દક્ષિણ ઈરાનનાં ખુઝેસ્તાન પ્રાંતમાં બે પેટ્રોકેમિકલ પ્લાન્ટ
ઉપર હુમલો બોલાવી દીધો હતો. બીજીબાજુ ઈરાન વધુ ઉશ્કેરાય તેવા ઘટનાક્રમમાં બુશહર પરમાણુ
કેન્દ્ર ઉપર પણ ફરીથી હુમલો કર્યો હતો. આમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ નીપજ્યું હતું
અને રેડિયેશનનો ભય પણ સર્જાયો છે. ઇરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ચેતવણી આપી
છે કે, કિરણોત્સર્ગની અસર તહેરાન સુધી જ નહીં રહે,
ખાડી દેશો પણ તેની ઝપટે ચડી શકે છે.દરમિયાન યુએઈ તરફથી જણાવવામાં આવ્યું
હતું કે, ઈરાન તરફથી 23 બેલિસ્ટિક મિસાઈલ અને પ6 ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા અને આ હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં
આવ્યો હતો. લેબેનોનમાં ઈઝરાયલનું આક્રમણ પણ અધિક તીવ્ર બની રહ્યું છે. દક્ષિણ લેબેનોનમાં
જમીની આક્રમણ માટે દબાણ વધારવા સાથે ઈઝરાયલે એક હોસ્પિટલને પણ નિશાન બનાવી હતી અને
તેમાં 11 લોકો ઘવાયા હતા. દરમિયાન ઈરાને
હવે અમેરિકાનાં બે યુદ્ધ વિમાનને તોડી પાડયાનો દાવો કર્યો છે. ઈરાનના કહેવા અનુસાર
પહેલું યુદ્ધ વિમાન બોયર-અહમદ પ્રાંતમાં અને બીજું ખાડીમાં ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું
હતું. આ હુમલામાં અમેરિકાના બે પાઈલટને ઉગારી લેવામાં આવ્યા હતા અને એક હજી પણ લાપતા
છે, જે ઈરાનના કબજામાં હોવાની આશંકા છે. ઈરાને અમેરિકાનાં
વિમાનોને નિશાન કરવા માટે નવી હવાઈ રક્ષા સિસ્ટમ તૈનાત કરી હોવાનું પણ જણાવ્યું હતું.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અંદાજ પ્રમાણે આ યુદ્ધમાં
અત્યાર સુધીમાં 3300નાં મોત થયાં
છે અને 30 હજારથી વધુ ઘાયલ થયા છે. આ
ઉપરાંત કુલ મળીને અંદાજે 43 લાખ જેટલા
લોકોને હિજરત કરવી પડી છે. સ્વાસ્થ્ય સુવિધાઓને નિશાન બનાવીને 116 જેટલા હુમલા થયા છે. ટ્રમ્પે
ઇરાનને 48 કલાકનું આખરીનામું આપ્યું છે
અને ચેતવણી આપી છે કે, જો ઇરાન નિર્ધારિત
સમયમાં હોર્મુઝ સ્ટેટ ખોલશે નહીં, તો તેને ગંભીર પરિણામોનો સામનો
કરવો પડશે. તેમણે ટૂથ સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, સમય પૂરો થઇ રહ્યો છે. અમેરિકાએ ઇરાનને
સમજૂતી પર પહોંચવા અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે માત્ર 48 કલાકનો સમય આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, `યાદ છે, જ્યારે મેં ઇરાનને સોદો કરવા અથવા હોર્મુઝ સ્ટ્રેટ
ખોલવા માટે 10 દિવસનો સમય
આપ્યો હતો?
સમય પૂરો થઇ રહ્યો છે. 48 કલાકમાં અમેરિકા તેમના પર જોરદાર
પ્રહાર કરશે.