વારાણસી, તા. 8 : પોતાનાં સંસદીય ક્ષેત્ર કાશીમાંથી
દેશને મોટી સોગાદ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ચાર વંદે ભારત ટ્રેનને લીલીઝંડી
આપી હતી. આ અવસરે વડાપ્રધાન બોલ્યા હતા કે, વંદે ભારત ભારતીયોની, ભારતીયો દ્વારા અને ભારતીયો માટે
બનાવાયેલી ટ્રેન છે. `નમ: પાર્વતી
પતયે' બોલીને ભાષણનો પ્રારંભ કરનારા મોદીએ ટ્રેનની
સવારી પણ કરી હતી અને બાળકો સાથે વાતો કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે,
આ હાઇસ્પીડ ટ્રેનો માત્ર યાત્રીઓની સુવિધા પૂરતી સીમિત નથી, પરંતુ દેશની સાંસ્કૃતિક અને ભાવનાત્મક એકતાનું પ્રતીક છે. આ લોકાર્પણ ભારતીય
રેલવેના આધુનિકીકરણ અને પ્રાદેશીય સંપર્કો વધારવાની દિશામાં મોદી સરકારના મહત્ત્વાકાંક્ષી
એજન્ડા બતાવે છે. મોદીએ લગભગ 18 મિનિટનાં સંબોધનમાં ભારતીય રેલવેનાં આધુનિકીકરણને વિકસિત ભારતના
સંકલ્પ સાથે જોડયું હતું. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે, વંદે ભારત, નમો ભારત, અમૃત ભારત
જેવી ટ્રેનો ભારતીય રેલવેની આગામી પેઢીનો પાયો તૈયાર કરી રહી છે.