વોશિંગ્ટન, તા. 8 : કેન્સર, ડાયાબિટીસ, શ્વાસની તકલીફ,
ચેતાતંત્રના રોગ જેવા ગંભીર દર્દથી પીડાતા દર્દીઓની પીડા વધારતાં અમેરિકાની
ટ્રમ્પ સરકારના આકરા ફેંસલા બાદ આવા ગંભીર દર્દવાળા વિદેશી નાગરિકો માટે અમેરિકાનાં
દ્વાર બંધ થઈ જશે. આ કડકાઈભર્યા પગલાં પાછળ ખાસ હેતુ એ છે કે જટિલ કે અસાધ્ય દર્દોની
મોંઘી સારવારના ખર્ચનું ભારણ સરકારનાં માથાં પર આવી પડે, તેવી
સ્થિતિ ટાળીને ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર વિદેશી નાગરિકો પાછળ ખર્ચના બોજથી બચવા માગે છે.
કર્કરોગ જેવા ગંભીર દર્દોના દર્દીઓ ધરાવતા ભારત સહિત દુનિયાભરના દેશોના નાગરિકો માટે
અમેરિકી સરકારનો દેશમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય દર્દ વધારનારો બની રહેશે. મેદસ્વિતાવાળા વિદેશી નાગરિકોને પણ અમેરિકામાં પ્રવેશ
નહીં મળી શકે. કારણ કે સ્થૂળતાની બીમારી હાઈબ્લડપ્રેશર, અસ્થમા
જેવા ગંભીર દર્દોનું કારણ બની શકે છે. વિઝા અધિકારીઓએ એ બાબતની તપાસ પણ કરવી પડશે કે,
વિઝાની અરજી કરનાર આખાં જીવન દરમ્યાન સરકારી સહાય વિના પોતાના દર્દની
સારવારનો ખર્ચ ખુદ ઉઠાવી શકે છે કે કેમ.ડાયાબિટીસ,
મેદસ્વિતા, કેન્સર જેવી બીમારીઓથી પીડિત લોકો માટે
હવેથી અમેરિકામાં પ્રવેશ મુશ્કેલ બની શકે છે. અમેરિકી વિદેશ વિભાગે દુનિયાભરના અમેરિકી
દૂતાવાસોને તેમજ વાણિજ્ય દૂતાવાસોને નિર્દેશ આપતાં કહ્યું હતું કે, ગંભીર બીમારીવાળા લોકોને અમેરિકામાં રોકવા કે આવવાની અનુમતિ આપવાની નથી. આ
નિયમ જાહેર બોજ પર નિર્ભર છે, જેનો હેતુ એવા વિદેશી નાગરિક પ્રવાસીઓને
રોકવાનો છે, જે અમેરિકી સરકારી સંસાધનો પર નિર્ભર છે. વિઝા અધિકારીઓને
પણ અરજદારોના આરોગ્ય, ઉંમર અને આર્થિક સ્થિતિની તપાસ કરીને જ
આગળ વધવાની સલાહ અપાઇ છે. જો કોઇ વિદેશી ભવિષ્યમાં મોંઘી સારવાર અને સરકારી સહાય પર
નિર્ભર રહેવાની શકયતા છે, તો તેના વિઝા રદ કરી દેવાશે. મતલબ કે,
અરજદાર સંપૂર્ણપણે સ્વસ્થ જણાશે તો જ તેની વિઝા અરજીને મંજૂરી મળી શકે
છે. હૃદયરોગ, શ્વાસની તકલીફ, ડાયાબિટીસ,
કેન્સર, ચેતાતંત્રના દર્દો, માનસિક સ્વાસ્થ્યની બીમારીઓ પાછળ લાખો ડોલરના ખર્ચ થઇ શકે છે, એ જોતાં આ નિર્ણય લેવાયો છે.