ન્યૂયોર્ક, તા. 10 : સત્તા હસ્તાંતરણના 12 દિવસ પહેલાં શુક્રવારે
નવનિર્વાચિત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પૈસા આપી પોર્નસ્ટારનું મોઢું બંધ
કરવાના મામલામાં સજા સંભળાવાઈ હતી. અલબત્ત ટ્રમ્પને જેલમાં નહીં જવું પડે, પરંતુ અદાલણી
ચૂકાદો રદ કરી નહીં શકાય. એ જોતા ડોનાલ્ડ ટ્રમ્પ એમેરિકાના ઈતિહાસમાં સજા પામનાર પ્રથમ
રાષ્ટ્રપતિ બની ગયા છે. ન્યૂયોર્કની મેનહટ્ટન કોર્ટે પોર્નસ્ટારને પૈસા આપીને ચૂપ કરાવવાના
મામલા સંબંધિત કુલ 34 અપરાધમાં જેલની સજા આપી હતી. જો કે, લોકો દ્વારા ચૂંટાયેલા હોવાથી
તમામ પાસાંઓથી વિશેષાધિકારનો હાથ ઉપર રહેશે, તેવા સૂર સાથે ન્યાયમૂર્તિએ ટ્રમ્પને જેલમાં
નહીં મોકલીને કોઈપણ જાતની શરત વિના જ મુક્ત કરી દીધા હતા. ટ્રમ્પને આજે મળેલી સજા માત્ર
સાંકેતિક હતી. મતલબ એ થયો કે નહીં તેમને જેલ થાય કે નહીં કોઈ દંડ ભરવો પડે. જો કે,
એક અપરાધી સાબિત થઈ ચૂકેલા શખ્સ તરીકે અમેરિકી રાષ્ટ્રપતિ પદે શપથ લેશે, જેથી ટ્રમ્પની
છબીને નુકસાન થશે. મેનહટ્ટન કોર્ટના ન્યાયમૂર્તિ જુઆન મર્ચેને જણાવ્યું હતું કે, દેશના
સર્વોચ્ચ પદની એટલે કે, રાષ્ટ્રપતિની શક્તિઓમાં કોઈ દખલ કર્યા વગર શરતો વિના છોડવા
એ જ ટ્રમ્પ માટે યોગ્ય સજા હશે. ટ્રમ્પ આવું સાંભળીને પણ ચૂપ રહ્યા હતા. ટ્રમ્પ વીડિયો
કોન્ફરન્સિંગ મારફતે કોર્ટ સમક્ષ રજૂ થયા હતા. કોર્ટરૂમમાં ચાર મોટા ક્રીન લગાવાયા
હતા. ખાસ ઉલ્લેખનીય છે કે, આ સજા તેમને વિતેલાં વર્ષે જ જુલાઈમાં અપાવાની હતી, જેનું
નુકસાન ચૂંટણીમાં ભોગવવું પડયું હોત, જેનાં કારણે જ ટ્રમ્પે વારંવાર સજાને ઠેલાવતા
રહ્યા હતા. ટ્રમ્પે સજાથી બચવા માટે છેલ્લી ઘડી સુધીના પ્રયાસોરૂપે સુપ્રીમ કોર્ટમાં
અપીલ કરી હતી, પરંતુ કોર્ટે ફગાવી દીધી હતી.