રાંચી, તા. 9 : કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસના નેતા
રાહુલ ગાંધીને ચેતવણી આપી છે કે જ્યાં સુધી
ભાજપા છે લઘુમતીઓને અનામત નહીં મળે. બંધારણમાં ધર્મને આધારે અનામતની કોઈ જોગવાઈ નથી.
આપણે ક્યારેય કોઈ ધર્મ વિશેષને અનામત ન આપી શકીએ. ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર
દરમિયાન શાહે પલામુમાં વિશાળ જનસભા સંબોધી અને ભરી સભામાં રાહુલ ગાંધીને ચેતવણી આપી
હતી. તેમણે એલાન કર્યું કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી છે, આ દેશમાં લઘુમતી સમુદાયને
અનામત નહીં મળે. કોંગ્રેસ પાર્ટી અનામતની વાત કરે છે. બંધારણમાં ધર્મ આધારિત અનામત
માટે કોઈ જોગવાઈ નથી. મહારાષ્ટ્રમાં ઉલેમાઓના એક સમૂહે તેમને (કોંગ્રેસને) આવેદન પાઠવ્યું
કે મુસલમાનોને 10 ટકા અનામત આપવું જોઈએ અને કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે કહ્યું
કે અમે તેમાં તમારી મદદ કરીશું. શાહે વધુમાં કહ્યંy કે, હું ઝારખંડની જનતાને પૂછવા આવ્યો છું
કે જો મુસલમાનોને 10 ટકા અનામત મળશે તો કોનું અનામત ઓછું થશે ? પછાત વર્ગ, દલિત અને
આદિવાસીઓનું અનામત ઘટાડી નાખવામાં આવશે. હું અહીંથી રાહુલ ગાંધીને ચેતવણી આપવા ઈચ્છું
છું કે રાહુલ બાબા, તમારાં મનમાં જે કંઈ કાવતરું હોય, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી છે, આ દેશમાં લઘુમતીઓને
અનામત નહીં મળે.