નવી દિલ્હી, તા. 9 : ભારત સાથે વણસેલા સંબંધો વચ્ચે અભ્યાસ કે
નોકરી માટે કેનેડા જવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ઝટકારૂપ સમાચારમાં કેનેડાની
જસ્ટિન ટ્રુડો સરકારે સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્કીમ (એસડીએસ) પ્રોગ્રામ આઠ નવેમ્બરે બંધ
કરી દીધો છે. આ વ્યવસ્થા બંધ થવાથી ફાસ્ટ ટ્રેડ સ્ટડી પરમીટ આપવાની પ્રક્રિયા પણ ખતમ
થઈ ગઈ છે. તેથી હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઝડપથી વિઝા મેળવવામાં મુશ્કેલી થઈ
શકે છે. કેનેડાના ઈમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ વિભાગે 2018માં એસડીએસ શરૂ કરી
હતી. તેનો ઉદેશ્ય ભારત, ચીન અને ફિલિપાઈન્સ સહિત 14 દેશમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે
વિઝા અરજી પ્રક્રિયાને સરળ અને?ઝડપી બનાવવાનો હતો. વિદ્યાર્થીઓને વિઝા અથવા વર્ક પરમિટ
મળી શકે તેવી કેટલીક શરતો નક્કી કરવામાં આવી હતી. તેમાં 20635 કેનેડિયન ડોલર (લગભગ
રૂા. 12.5 લાખ)નું કેનેડિયન ગેરંટેડ ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ (જીઆઈસી) અંગ્રેજી અથવા
ફ્રેન્ચ ભાષાની પરીક્ષા આપવાનો સમાવેશ થાય છે.
કેનેડાની સરકારે હવે આ યોજના જ બંધ કરી નાખી છે. આ નિર્ણયથી હવે ભારત સહિત ઘણા
દેશોના વિદ્યાર્થીઓને વિઝા અને વર્ક પરમિટ માટે લાંબો સમય રાહ જોવી પડશે. આ સિવાય પણ
બીજી વિઝા અરજી કરવાની પ્રક્રિયામાં પણ કડકાઈ વધારવામાં આવી છે. પોસ્ટ-ગ્રેજ્યુએશન
વર્ક પરમિટ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે ભાષા માટેનો ટેસ્ટ અને બેન્ચ માર્ક પહેલા
કરતા વધુ મુશ્કેલ બન્યા છે.