• બુધવાર, 13 નવેમ્બર, 2024

ક્વેટામાં આતંકી હુમલો; 26 મોત

નવી દિલ્હી, તા. 9 : આતંકવાદને પોષતાં પાકિસ્તાનના ક્વેટા શહેરમાં રેલવે સ્ટેશન પર નિશાન સાધીને જોરદાર ધડાકા સાથે કરાયેલા આત્મઘાતી હુમલામાં પાકની સેનાના 14 સૈનિક સહિત 26 લોકોનાં મોત થઇ ગયાં હતાં. આ ખતરનાક ધડાકામાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આતંકવાદી જૂથ બલૂચ લિબરેશન આર્મીએ આ લોહિયાળ હુમલાની જવાબદારી લીધી હતી. આખું રેલવે સ્ટેશન ઉડાવી દેનાર આતંકી જૂથે જાફર એક્સપ્રેસમાં પેશાવર જતા જવાનો પર નિશાન સાધ્યું હતું. ક્વેટા સિવિલ હોસ્પિટલના પ્રવક્તા વસીમ બેગે કહ્યું હતું કે, જીવ ખોનારા લોકોમાં 14 જવાન અને 12 સામાન્ય નાગરિક છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, જાફર એક્સપ્રેસ સવારે નવ વાગ્યે રવાના થવાની હતી. સ્ટેશન પર ધડાકા વખતે ભારે ભીડને ધ્યાને લેતાં મરણાંક વધવાની ભીતિ સેવાઇ હતી. વિસ્ફોટથી રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ્સ પરના શેડ આખા ઊડી ગયા હતા. ક્વેટા હોસ્પિટલમાં કટોકટી જાહેર કરાઇ હતી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આતંકવાદી હુમલાની ટીકા કરતાં કહ્યું હતું કે, દોષીઓને કડક સજા અપાશે. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ?બુગતીએ તપાસનો આદેશ આપ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang