કોંગ્રેસને 370 પ્રત્યે પ્રેમ શા માટે ? : મોદી : મુંબઈ, તા. 9 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે અકોલામાં જનસભાને
સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને નિશાને લેતાં આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રે કોંગ્રેસના પ્રકોપને, તેના પાપોને લાંબા સમય સુધી સહન
કર્યા છે. ખાસ કરીને મરાઠવાડાના કિસાનોની સમસ્યાનું મૂળ કોંગ્રેસ પક્ષ છે. 370મી કલમ
મામલે પીએમે કહ્યું કે, કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરને હિંસામાં ધકેલવા માગે છે. કોંગ્રેસને
370મી કલમથી આટલો પ્રેમ શા માટે છે ? નાંદેડમાં ચૂંટણી સભાને સંબોધતાં મોદીએ કહ્યું
હતું કે, કોંગ્રેસ એક ઓબીસી વડાપ્રધાનને સહન કરી શકતી નથી. ઉલ્લેખનીય છે કે, મોદીના
એક હૈ તો સેફ હૈનાં નિવેદનને પગલે રાજકારણ નવેસરથી ગરમાયું છે. કોંગ્રેસ પર પ્રહાર
કરતાં મોદીએ કહ્યું કે, આ લોકોએ તો હદ પાર કરી દીધી છે. કોંગ્રેસે ભ્રષ્ટાચારમાં પોતાના
જ વિક્રમો તોડયા છે. કોંગ્રેસના લોકો બંધારણનાં નામ પર પોતાની અલગ `લાલ કિતાબ'
વહેંચી રહ્યા છે. તેમણે કહ્યું કે, કિસાનોનું હિત એ અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે.
મહારાષ્ટ્રના સવા કરોડથી વધુ કિસાનોને પીએમ સમ્માન નિધિનો લાભ મળ્યો છે. છેલ્લા અઢી
વર્ષમાં મરાઠવાડામાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. સમૃદ્ધિ મહામાર્ગથી આ ક્ષેત્રને
પ્રગતિનો નવો માર્ગ મળ્યો છે. નાંદેડથી દિલ્હી અને આદમપુર માટે વિમાનસેવાઓ શરૂ થઈ છે.
ટૂંક સમયમાં અહીંથી અમૃતસર સુધી શીખ ભાઈઓને વિમાનથી યાત્રા કરવાની તક મળવાની છે. રામમંદિરનો
ઉલ્લેખ કરતાં પીએમે કહ્યું કે, નવમી નવેમ્બરની તારીખ ઘણી ઐતિહાસિક છે. 2019માં આજના જ દિવસે સુપ્રીમ કોર્ટે રામમંદિર પર
ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દરેક ધર્મના લકોએ સંવેદનશીલતાનાં દર્શન
કરાવ્યાં હતાં. રાષ્ટ્રપ્રથમની આ ભાવના ભારતની ઘણી મોટી તાકાત છે. - મોદી કે
યોગી, કોના નારા અપનાવશો ? : ખડગે : નવી દિલ્હી,
તા.9 : મહારાષ્ટ્રની ચૂંટણીમાં સીએમ યોગીના `બટેંગે તો કટેંગે' અને પીએમ મોદીના 'એક હૈં
તો સેફ હૈં' જેવા નારાઓની ગુંજ સંભળાઈ રહી છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન
ખડગેએ આજે શનિવારે ભાજપ પર કટાક્ષ હતા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ભાજપે પહેલાં પોતાના
નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રીના બે અલગ-અલગ નારાઓ અંગે નિર્ણય
લેવો જોઈએ. મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં ખડગેએ ભાજપને યોગી આદિત્યનાથના `િવભાજનકારી'
નારા અને પીએમ મોદીના એકતા સંદેશ વચ્ચે નિર્ણય લેવા ટકોર કરી હતી. ખડગેએ કહ્યું કે
જ્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે `જો આપણે છૂટા પડીશું તો કપાઈ જઈશું
'નો નારો આપ્યો છે, ત્યારે વડાપ્રધાન મોદીએ `જો આપણે એક થઈશું તો સુરક્ષિત રહીશું'નું આહ્વાન
કર્યું છે ત્યારે પહેલાં તો તમારે એ નક્કી કરવું જોઈએ કે તમે કોનું સૂત્ર અપનાવવાના
છો એમ ખડગેએ કહ્યું હતું. ખડગેએ યોગીના સૂત્ર પર વળતા વારમાં એમ પણ કહ્યું કે `ભાગલા
પડાવનારા પણ તમે અને કાપનાર પણ તમે' જ છો.