• શનિવાર, 27 જુલાઈ, 2024

સત્તા મળ્યે ફરી ચૂંટણીબોન્ડ લાવશું : નિર્મલા

નવી દિલ્હી, તા. 20  : લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણી બોન્ડનો વિવાદ ગાજી રહ્યો છે, તેવે સમયે જ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, જો અમે સત્તા પર પરત આવશું, તો ઈલેક્ટોરલ બોન્ડની યોજના ફરી લાવશું. જો કે, એ માટે પહેલાં મોટાપાયે સૂચનો અને અભિપ્રાયો લેવામાં આવશે, તેમના આ નિવેદનને લઈને કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, આ વખતે તેઓ કેટલી લૂંટ ચલાવશે? સીતારામને જણાવ્યું છે કે, તમામ પક્ષો સાથે સઘન ચર્ચા વિચારણા કર્યા બાદ ભાજપ આ સંદર્ભમાં નિર્ણય લેશે. અમે સત્તામાં વાપસી થયે ચૂંટણી બોન્ડ નવેસરથી રજૂ કરવાની વિચારણા કરી રહ્યા છીએ. તમામને સ્વીકાર્ય હોય તેવા માળખાં સાથે અને પારદર્શિતાનું સ્તર જળવાઈ રહે એ રીતે અમે ચૂંટણી બોન્ડ ફરી લાવવાની વિચારણા કરી રહ્યા છીએ. રમેશે `એક્સ' પર લખ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે, ભાજપે પેટીએમ ગોટાળા થકી ચાર લાખ કરોડની લૂંટ ચલાવી. હવે તેઓ લૂંટ જારી રાખવા માગે છે. તમે આ પદ્ધતિ પર નજર નાખો, ચંદો એટલે કે ડોનેશન આપો અને ધંધો કરો, કોન્ટ્રાક્ટ આપો અને લાંચ લો. કપિલ સિબલે જણાવ્યું હતું કે, હું સીતારામનનું સન્માન કરું છું. તેઓ કહે છે કે, આ યોજના પારદર્શિતાને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ એવું ઠરાવી ચૂકી છે કે, તેમાં પારદર્શિતા નહોતી. તેઓ (સરકાર) તેને બિનપારદર્શી રીતે લઈ આવી. હવે સમસ્યા એ છે કે, તેમની પાસે આ ચૂંટણી માટે નાણાં તો છે, પણ તેઓ એ પણ જાણે છે કે જો હારી ગયા તો પણ પૈસાની જરૂરિયાત રહેશે. હું મોહન ભાગવતને પૂછવા માગું છું કે, તેઓ આ મામલે મૌન કેમ છે? ઉલ્લેખનીય છે કે, ચૂંટણી બોન્ડની વિગતો જાહેર થતાં મોટો વિવાદ સર્જાયો છે. 2018થી અત્યાર સુધી ચૂંટણી બોન્ડ થકી સૌથી વધુ રૂપિયા ભાજપને મળ્યા છે. છ વર્ષમાં તેને ચૂંટણી બોન્ડ થકી રૂા. 6337 કરોડ મળ્યા છે, જ્યારે કોંગ્રેસને રૂા. 1108 કરોડ મળ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang