ગાંધીધામ, તા.26 : આંતરરાજ્યમાંથી ટ્રેન મારફત
નશીલો પદાર્થ હેરફેરના અનેક બનાવ પ્રકાશમાં
આવ્યા છે.આજે વધુ એક વખત ઓરિસ્સાથી ગાંધીધામ તરફ આવતી ટ્રેનમાં નશીલા પદાર્થના છોડ
મળી આવ્યા હોવાનો બનાવ બહાર આવ્યો છે.કોઈ શખ્સ
પોલીસ કાર્યવાહીના ડરથી બેગ મૂકીને નાસી ગયો હતો.પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી
મળતી વિગતો મુજબ પુરીથી ગાંધીધામ આવતી ટ્રેનમાં
આરપીએફની ટીમ પેટ્રોલિંગ માટે ચડી હતી.આ દરમ્યાન સામખિયાળીથી ટ્રેન ઉપડયા બાદ એસ.વન કોચના સીટ નંબર 79 ઉપરથી બિનવારસુ બેગ
મળી હતી.
ભચાઉ ખાતે પણ બેગ અંગે કોઈ પ્રવાસીઓએ દાવો કર્યો ન હતો.ટ્રેન ગાંધીધામ
પહોંચ્યા બાદ પીટ લાઈનમાં લઈ જઈ પોલીસે કાર્યવાહી
હાથ ધરી હતી.બેગ ખોલીને તપાસ કરતાં તેમાંથી આઠ પેકેટમાંથી લીલા કલરના સૂકા છોડ મળી
આવ્યા હતા.આ કાર્યવાહી દરમ્યાન આઠ કિલો જેટલો જથ્થો હોવાનું જણાયું હતું.એક કિલોના
રૂા.50 હજાર લેખે કુલ ચાર લાખની કિંમતનો
જથ્થો કબજે કરાયો હતો.બેગમાંથી આઠ પેકેટ તથા હાફ પેન્ટ, ટી-શર્ટ સિવાય અન્ય કોઈ વસ્તુ મળી ન હતી.રેલવે
પોલીસે જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વાગડમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો હતો.