મુસા સુમરા દ્વારા : સુમરાપોર પચ્છમ, તા. 9 : સરહદી પચ્છમ
વિસ્તારના કોટડા ચેકપોસ્ટથી આગળ ગોઝારા અકસ્માતથી વહેલી પરોઢે સરહદી વિસ્તાર મરણચીસોથી
ગાજી ઊઠયો હતો. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં પોલીસ ત્યાં દોડી આવી હતી અને ઘવાયેલાઓ
માટે એમ્બ્યુલન્સને બોલાવાઇ હતી. 108ના સાયરનથી સરહદી વિસ્તાર ગુંજી ઊઠયો હતો. પોલીસ ખડેપગે રહી
આ કામગીરીમાં જોતરાઇ હતી. પચ્છમ વિસ્તારમાં આવો મોટો અને ભયંકર અકસ્માત પ્રથમ વખત બનતાં
પચ્છમવાસીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી દુ:ખ વ્યક્ત કર્યું હતું. વહેલી પરોઢે ટ્રાફિકજામ
થતાં પોલીસ માટે દોડધામ થઇ પડી હતી અને સરહદનો પ્રવેશ સવારના ભાગે બંધ કરાયો હતો. આ
વેળાએ મોતનો મસાલો લઇને ફરતા વાહનો પર અંકુશ લાવવા આ પંથકમાં માંગ ઊઠી હતી.