ભુજ, તા.9 : સરહદી વિસ્તાર ખાવડા નજીક આજે વહેલી પરોઢે એક કાળજું કંપાવી દેનારી માર્ગ હોનારત સર્જાઈ હતી. કોટડા ચેકપોસ્ટથી આગળ આર.ઈ. પાર્ક તરફ જતા રોડ પર બોલેરો પિકઅપ અને બલ્કર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સાત શ્રમિકોનાં કરુણ મોત થયાં હતાં. બનાવને પગલે શ્રમિકોની ચીસોથી શાંત વાતાવરણ દ્રવી ઊઠયું હતું. આ જીવલેણ બનાવમાં 25 જેટલા અન્ય શ્રમિકોને ગંભીર ઈજાઓ થતાં સમગ્ર જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં ઉત્તરપ્રદેશના બિરેશ જગદેવ પાસવાન (ઉ.વ.22), દેશરાજ સુજલામ પાસવાન (ઉ.વ.48), સંદીપકુમાર દોલીરામ પાસવાન, કુલદીપકુમાર રામકુમાર પાસવાન (ઉ.વ.31), બિહારના અનુપ ચેતરામ પાસવાન (ઉ.વ.24), કૈલાશ રામધન મંડલ (ઉ.વ.46) તથા અનિલ રામપાલ પાસવાન નામના શ્રમિકોએ પોતાના જીવ ખોયા હતા. બોલેરો પિકઅપ વાનમાં ઠાંસી ઠાંસીને 32 મુસાફર બેસાડાયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા સાત શ્રમિક તથા ઘવાયેલા લોકો ખાવડા પાસેની એન.ટી.પી.સી. ફર્મમાં આવેલી ફલોદી કંપનીના કામદારો હતા, જે વહેલી પરોઢે કામેથી પરત પોતાના રહેઠાણની તરફ જઇ રહ્યા હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ આજે તા. 9/10ના 3:30ના અરસામાં સાત લોકોને ભરખી જનાર આ ગાઝારો અકસ્માત સર્જાયો હતો. કોટડા ચેકપોસ્ટથી ત્રણ કિ.મી. આગળ આર.ઈ. પાર્ક તરફ જતા રોડ પર વળાંક પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. બોલેરો પિકઅપ નં.જીજે-12-સીટી-4894માં 32 જેટલા શ્રમિકો સવાર થઈને જઈ રહ્યા હતા, જ્યારે સામેથી બલ્કર નં. જીજે-39-ટી-6545વાળું યમદૂત બનીને ધસમસતું આવી રહ્યું હતું. આ બન્ને વાહનોની ટક્કર બાદ બોલેરોના આગળના ભાગનો બૂકડો બોલી ગયો હતો અને આગળ બેઠેલા શ્રમિકો દબાઈ ગયા હતા તેમજ પાછળના લોકો ફંગોળાઈને ઝાડીમાં પડયા હતા, તે પૈકીના અનેક મજૂરો ગાડી નીચે દબાઈ જતાં ચીસાચીસથી શાંત વાતાવરણ દ્રવી ઊઠયું હતું. આ ગોઝારા અકસ્મતની જાણ થતાં ત્રણ કિલોમીટર દૂર ચેકપોસ્ટ પર હાજર રહેલા પોલીસ કર્મીઓ તથા ખાવડા પી.આઈ. એમ.બી. ચાવડા તાબડતોબ બનાવવાળી જગ્યાએ દોડી આવ્યા હતા. પોલીસ સમયસર ન આવી હોત તો કદાચ મૃત્યુઆંક વધુ પણ હોત. અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા દોડદામ આદરી હતી. પોલીસે તાત્કાલિક ક્રેન બોલાવી ઊંધાં વળી ગયેલાં વાહનોને સીધા કરાવ્યાં હતાં તથા એમ્બ્યુલન્સ, ખાનગી વાહનોમાં ઘવાયેલાઓને સારવાર અર્થે મોકલી આપ્યા હતા. જોરદાર ટક્કરના કારણે બોલેરોમાં આગળ બેઠેલા પૈકીના લગભગ તમામનાં મોત થયાં હતાં. આ મૃતકોને બહાર કાઢી તેમને પણ હોસ્પિટલ લઈ જવાયા હતા. પોલીસે સતર્કતા વાપરી તાબડતોબ બનાવવાળી જગયાએ પહોંચી રેસ્કયૂ હાથ ધરતાં મરણઆંક વધતાં અટકી ગયો હોવાનું ખાવડા પી.આઈ. એમ. બી. ચાવડાએ જણાવ્યું હતું. બનાવની જાણ થતાં જિલ્લા કલેકટર અનિલ રાણાવાસિયા તથા પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડા જી.કે. જનરલ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને બનાવથી અવગત થઈ ઘવાયેલાઓની સારવાર અર્થે હોસ્પિટલ સ્ટાફને સૂચનો કર્યાં હતાં. આ ગોઝારા અકસ્મતને પગલે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ઘાયલોથી ઊભરાઈ હતી. અકાળે સાત શ્રમિકોનાં મોતને પગલે અરેરાટી સાથે ચકચાર પ્રસરી હતી. બનાવની જાણ થતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલ, રામદેવસિંહ જાડેજા, લાખાજી, ગનીભાઈ કુંભાર હોસ્પિટલ જઈ ઘાયલોને સહયોગી બન્યા હતા. - ખાવડા દુર્ઘટના : વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો : ભુજ, તા. 9 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાવડા પાસે લોહિયાળ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ બદલ શોક અને આઘાતની લાગણી વ્યક્ત કરી હતી ખાવડા પાસે આવેલા રિન્યૂએબલ એનર્જી પાર્ક તરફ જતા રસ્તે ગત મોડી રાત્રે એક ટ્રક અને શ્રમિકો બેઠા હતા એ પિકઅપ વાન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા `એકસ' પર આ અંગે પોસ્ટ કરીને સંવેદના દર્શાવામાં આવી હતી. મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતના કચ્છમાં સર્જાયેલી પ્રાણઘાતક દુર્ઘટનાથી ખૂબ દુ:ખી થયો છું. તેમણે પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તેમજ ઈજાગ્રસ્ત શ્રમિકો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી હતી.