• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

પડાણા : 3.79 લાખના હેરોઇન સાથે પેડલરની ધરપકડ

ગાંધીધામ, તા. 17 : અહીંના પડાણા નજીક આવેલી એક હોટેલ પાછળ પાર્કિંગમાં આવેલા ઝૂંપડામાંથી પંજાબના શખ્સની ધરપકડ કરી પોલીસે રૂા. 3,79,000નું હેરોઇન જપ્ત કર્યું હતું. આ શખ્સ ક્યારે અહીં આવ્યો, કોને કોને માદક પદાર્થ વેચ્યો, ક્યાંથી આ પદાર્થ આવ્યો તે બહાર આવ્યું નથી. પડાણા નજીક આવેલી મિની પંજાબી હોટેલ પાછળ પાર્કિંગમાં બનાવેલા કાચા ઝૂંપડામાં આવેલા શખ્સ પાસે માદક  પદાર્થ હોવાની પૂર્વ બાતમીના આધારે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. સચોટ બાતમીના આધારે પોલીસ આ હોટેલના પાર્કિંગમાં પહોંચી હતી. અહીંથી સબરી, તરનતારન પંજાબના બગીચાસિંઘ ઉર્ફે સોનુ સંતોષસિંઘ નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. આ શખ્સે પહેરેલા ઝબ્બામાંથી ઝબલું મળ્યું હતું, જેમાં ક્રીમ રંગનો મોટા લખોટા જેવો ગોળ આકારમાં સખત-કઠણ પદાર્થ મળી આવ્યો હતો. આ પદાર્થ ચિટ્ટા હોવાનું પકડાયેલા પરપ્રાંતીય શખ્સે જણાવ્યું હતું, જેથી પોલીસે એફ.એસ.એલ. અધિકારીને અહીં બોલાવી ખરાઇ કરાવતાં પ્રાથમિક પૃથક્કરણમાં આ પદાર્થ હેરોઇન હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સ પાસેથી રૂા. 3,79,000નું 18.950 ગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું તેમજ નાનો ડિજિટલ વજનકાંટો, મોબાઇલ, આધાર, પાનકાર્ડ વગેરે પણ કબજે લેવામાં આવ્યા હતા. આ શખ્સે ક્યાંથી પદાર્થ લીધો હતો ? અહીં કયા વાહન મારફતે આવ્યો ? ક્યારે આવ્યો ? કોને માલ આપવાનો હતો ? કોને-કોને પદાર્થ આપી દીધો છે કે કેમ ? તે સહિતની વિગતો  બહાર આવી નથી, જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd