• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

90 હજારથી વધુ વિદ્યાર્થિનીની નમો લક્ષ્મી-નમો સરસ્વતી શિષ્યવૃત્તિ અટકી

ભુજ, તા. 17 : કેન્દ્ર સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગની તમામ કેટેગરીની ધોરણ 9થી 12ની કન્યાઓ માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી નામની શિષ્યવૃત્તિ યોજના અમલમાં છે, પરંતુ આ પ્રક્રિયા હવે આધારકાર્ડ મારફતે ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર  (ડી.બી.ટી.) આધારિત હોવાથી છેલ્લે જે બેંક ખાતાં સાથે આધારકાર્ડ લિંક હોય તે ખાતાંમાં જ રકમ જમા થતી હોવાથી કચ્છમાં 90 હજારથી વધુ છાત્રા આ શિષ્યવૃત્તિથી વંચિત રહી ગઈ હોવાની ફરિયાદો ઊઠી રહી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત પ્રાથમિક શિક્ષણના સાર્વત્રીકરણ બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂરું કરે અને પ્રાથમિક શિક્ષણમાં 100 ટકા નામાંકન અને સ્થાઈકરણ માટે તેમજ ખાસ કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરવા તેમજ શિક્ષણની સાથેસાથે કન્યાઓને પૂરતું  પોષણ મળી રહે અને આરોગ્ય સુદૃઢ બને તેવા હેતુથી આર્થિક સહાય આપવા કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024થી તમામ કેટેગરીની અને ખાસ કરીને વાર્ષિક છ લાખ સુધીની આવકમર્યાદા ધરાવતા પરિવારની કન્યાઓ માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના ચાલી છે, પરંતુ છેલ્લા કેટલાક માસથી આ યોજના હેઠળની શિષ્યવૃત્તિ કન્યાઓનાં ખાતાંમાં જમા થતી ન હોવાની ફરિયાદો વાલીઓમાંથી ઊઠી રહી છે. - આધારકાર્ડ અન્ય ખાતાંથી લિંક થવાથી શિષ્યવૃત્તિ અટકે છે : આ યોજના હવે આધારકાર્ડ આધારિત થઈ ગઈ હોવાથી લાભાર્થી કન્યાનું ખાતું ખોલાવવા સમયે જે આધારકાર્ડ સાથે લિંક થયું હોય તે આધારકાર્ડ જો વાલી દ્વારા અન્ય ખાતાં સાથે લિંક કરાવાય તેવા કિસ્સામાં ખાતાંમાં લેવડદેવડ બંધ થઈ જાય કે કે.વાય.સી. ન થવાથી કન્યાનું ખાતું ફ્રીઝ થઈ જાય છે અને શિષ્યવૃત્તિ અટકી જાય છે. તો કેટલાક કિસ્સામાં બેંક દ્વારા આધારકાર્ડને `નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા' (એનપીસીઆઈ) પર સેંડ કરવાની થતી કામગીરી ન થવાથી પણ શિષ્યવૃત્તિ જમા થવામાં વિલંબ થતો હોવાનોયે આક્ષેપ થઈ રહ્યો છે. - 84,866 લાભાર્થી વંચિત : નમો લક્ષ્મી યોજના હેઠળ કચ્છમાં 2,73,023 કન્યા આ શિષ્યવૃત્તિ મેળવવા પાત્ર છે, જે પૈકી વર્ષ 2025-26 દરમ્યાન 1,88,157 લાભાર્થીની રૂા. 11,95,29,000ની - શિષ્યવૃત્તિ અટકી : શિષ્યવૃત્તિ જમા થઈ, જ્યારે 84,866 લાભાર્થીનાં ખાતાં આધાર સાથે લિંક ન હોવાથી ખાતું ફ્રીઝ થવું અથવા બેંક દ્વારા `નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા' (એનપીસીઆઈ) પર સેંડ કરવાની થતી કામગીરી ન થવાથી રકમ જમા થઈ શકતી નથી. - 6,250 લાભાર્થીની શિષ્યવૃત્તિ અટકી : જ્યારે નમો સરસ્વતી યોજના હેઠળ કચ્છમાં 16,711 કન્યા લાભાર્થી છે, જે પૈકી વર્ષ 2025-26 દરમ્યાન 10,461 કન્યાને રૂા. 1,04,61,000ની રકમ જમા કરાવાઈ છે, જ્યારે 6,250 લાભાર્થીને ઉપરોક્ત કારણોસર શિષ્યવૃત્તિ મળી શકી નથી. બીજીબાજુ આ પ્રક્રિયા રાજ્ય લેવલની હોવાથી સ્થાનિક શિક્ષણ તંત્ર પણ હાથ ઊંચા કરી દેતું હોવાનો બળાપો કેટલાક વાલીઓઁએ વ્યક્ત કર્યો હતો. આધારકાર્ડ લિંક બાબતે કેટલાક વાલીઓ અજાણ હોવાથી બેંકો અને શિક્ષણ કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે તંત્ર અને બેંકોએ જાગૃતિ દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ તેવો મત વ્યક્ત થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજનામાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક અભ્યાસ પૂર્ણ કરે તેને કુલ રૂા. 50 હજારની સહાય આપવામાં આવે છે. જેમાં ધો. 9 અને 10ના દર માસે રૂા. 500 લેખે દસ-દસ માસના 20 હજાર, બાકીના 10 હજાર ધો. 10 પાસ કર્યા બાદ, ધો. 11 અને 12માં દર માસે 750 પ્રમાણે 15 હજાર અને બાકીના 15 હજાર ધો. 12 પાસ થયા પછી ચૂકવવા પાત્ર થશે. દરમ્યાન આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારનો સપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, આ સમસ્યા મોટાભાગે ખાનગી શાળાઓમાં ઉદ્ભવે છે, જેમાં આવકની મર્યાદા નડતી હોવાથી તેમજ કેટલીક જગ્યાએ બેંકોમાં ટેકનિકલ કારણોસર પણ શિષ્યવૃત્તિ જમા થઈ શકતી નથી. જો કે, આ મુદ્દે તાત્કાલિક નિવેડો લાવવા તંત્ર દ્વારા વ્યાયામ હાથ ધરાયો છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd