• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

કચ્છમાં મની ટ્રાન્સફરવાળાઓ સાથે ત્રીજી એકસરખી મોડસ ઓપરેન્ડીવાળી ઠગાઈ

ભુજ, તા. 17 : છેલ્લા થોડાક દિવસોથી ઠગબાજો એકસરખી જ મોડસ ઓપરેન્ડી અપનાવી મની ટ્રાન્સફરવાળાઓને છેતરતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. આદિપુર અને સામખિયાળી બાદ હવે મુંદરામાં પણ આ રીતે ઓનલાઈન રૂા. 2.94 લાખ વિવિધ બેન્ક  ખાતાંમાં ટ્રાન્ફસર કરાવી મની ટ્રાન્સફરવાળા સાથે છેતરપિંડી થવાની ફરિયાદ નોંધાવાઈ છે. મુંદરામાં મની ટ્રાન્સફરનો ધંધો કરતા નારણ હરિભાઈ ગઢવી (રહે. વવાર)એ ગઈકાલે મુંદરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમને તા. 14/9ના એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને પોતાનું નામ રામજીભાઈ આપી કહ્યું હતું કે, તેમને ત્રણ લાખ રૂપિપયા ટ્રાન્સફર કરવા છે અને ટ્રાન્જેક્શનના ચાર્જ વિશે પૂછપરછ કરી જણાવ્યું કે, થોડીવારમાં મારો એક માણસ રૂપિયા લઈ તમારી દુકાને આવશે. હું તમને જે ખાતાં નંબર આપું તેમાં નાણાં ટ્રાન્સફર કરી દેજો. અડધો કલાક બાદ ફરિયાદીની દુકાને હનીફભાઈ સલીમ આરબ (રહે. હરિનગર, મુંદરા)વાળી વ્યક્તિ દુકાને આવીને તેમનો ફોન ફરિયાદીને આપી કહ્યું કે, ફોન ઉપર સમીરભાઈ છે, વાત કરો... આથી ફરિયાદીએ વાત કરતાં સામાવાળાએ કહ્યું કે, મેં હમણા થોડા સમય પહેલાં વાત કરી હતી તે ભાઈ જ બોલું છું. આ ભાઈ રૂપિયા લઈને આવ્યા છે. તમને વોટ્સએપ પર બે એકાઉન્ટ નંબર આપ્યા છે. તેમાં હું કહું તે પ્રમાણે નાણાં ટ્રાન્સફર કરો... તેના કહ્યા મુજબ બન્ને ખાતાંમાં કુલ દસ ટ્રાન્જેક્શનના રૂા. 2,94,000 મોકલી દીધા બાદ સામાવાળાએ ફરિયાદીને કહ્યું કે, જે ભાઈ આવ્યા છે તેમને ફોન આપો તમારાં નાણાં અપાવી દઉં. ફરિયાદીએ આવેલ હનીફભાઈને ફોન આપતાં જ સામેવાળાએ ફોન કટ કરી નાખ્યો અને બાદમાં કોલ કરવાનો પ્રયત્ન કરતાં તેનો ફોન સ્વિચઓફ આવ્યો. બાદમાં ફરિયાદીએ હનીફભાઈને રૂપિયા આપવા બાબતે કહેતાં હનીફભાઈએ જણાવ્યું કે, મારું નોનવેજ બનાવવાનું કામ છે અને આજે સવારે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને ફોન પર 150 માણસ માટેનો ઓર્ડર આપી મને એડવાન્સના રૂા. 30 હજાર લેવા તમારી દુકાનનું સરનામું આપ્યું હતું અને કહ્યંy કે, દુકાને આવીને સામાવાળા સાથે મારી વાત કરાવજો, જેથી મેં તમારી સાથે વાત કરાવી હતી. પોલીસે આ ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી  છે. અત્રે નોંધનીય છે કે, આ જ મોડસ ઓપરેન્ડીને લઈ આદિપુર અને સામખિયાળીમાં બનાવો બની ચૂક્યા છે, ત્યારે કચ્છમાં આવો એકસરખો ત્રીજે બનાવ સામે આવ્યો છે, આથી ખાસ તો મની ટ્રાન્સફર કરવાવાળા તેમજ ખાણી-પીણીના ઓર્ડર બૂક કરતા વ્યાવસાયકારોને આવા ઠગબાજોથી સચેત રહેવાની જરૂર છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd