• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

મોદીનું જીવન ગરીબ કલ્યાણ માટે સમર્પિત : શાહ

અમદાવાદ, તા. 17 (અમારા પ્રતિનિધિ તરફથી) : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન અને જનસેવાથી રાષ્ટ્રસેવાના અવિરત 25 વર્ષના ઐતિહાસિક ઉપલક્ષમાં મહેસાણાના વડનગર ખાતે સેવા સંકલ્પ અભિયાનનો  પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડનગરના  શર્મિષ્ઠા તળાવના કિનારે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મહાનુભાવોએ શર્મિષ્ઠા તળાવ ખાતે આયોજિત મહાઆરતીમાં સહભાગી થઈને પીએમ મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી.  કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે  જણાવ્યું હતું કે   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પણ દિવસની રજા લીધા વિના 25 વર્ષ રાષ્ટ્રની સેવામાં વ્યતીત કર્યા છે.  પીએમએ 140 કરોડ ભારતીયોને જ પોતાનો પરિવાર માન્યો છે અને ભારત પ્રથમના મંત્ર સાથે દેશને નવી દિશા આપી છે. પીએમનું જીવન ભારત પ્રથમના મંત્ર અને ગરીબ કલ્યાણ માટે સમર્પિત છે તેમ શાહે વધુમાં જણાવ્યું હતું.  કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાનના 12 વર્ષના કાર્યકાળને ગરીબ કલ્યાણના સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવશે. 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય આ શાસનમાં થયું છે. 80 કરોડ ગરીબોને નિ:શુલ્ક અનાજ, આવાસ, શૌચાલય, વીજળી, ગેસ સિલિન્ડર અને 5 લાખ સુધીની મફત સારવારની સુવિધા પૂરી પાડીને છેવાડાના માનવીનું જીવન સ્તર સુધારવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે ભારતને ફ્રેજાઈલ ફાઈવમાંથી બહાર કાઢીને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનાવવાનું શ્રેય પણ નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વને જાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના જન્મ દિવસે તેમની જન્મભૂમિથી શરૂ થઈ રહેલી બાઈક યાત્રાને રાષ્ટ્ર સેવાની સંકલ્પ યાત્રા ગણાવી હતી. સીએમએ ઉમેર્યું કે, વડનગરની ભૂમિએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને દેશપ્રેમ, સેવા-સાદગી અને સમાજ માટે રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી સમર્પિત થવાની પ્રેરણા આપી છે.  જે દેશના યુવાઓ રોજગાર માટે બહારની દુનિયા તરફ જોતા એ દેશ આજે મોટો ટેલેન્ટ પૂલ બન્યો છે. ટેક્નોલોજીના ઉપયોગમાં પાછળ રહેવાનું ભારતનું મેણું ભાંગીને આજે ડિજિટલ પેમેન્ટથી લઈને સ્પેસ ટેક્નોલોજી સુધી ભારત નો ડંકો વાગે છે. મુખ્યમંત્રીએ આ પરિવર્તન અને અપ્રતિમ વિકાસના મૂળમાં વડાપ્રધાનની 25 વર્ષની જનસેવા સાધના અને સમર્પણ રહ્યા છે તેની સરાહના કરી હતી. કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે પણ વડાપ્રધાનની દૂરદર્શી નીતિઓની સરાહના કરી હતી. તેમણે ઉમેર્યું કે ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ શર્મિષ્ઠા ઘાટ પરથી કળશમાં જળ ગ્રહણ કર્યું હતું, જે વડનગરથી વારાણસી જનાર બાઈકર્સ દ્વારા કાશી વિશ્વનાથના ચરણોમાં અર્પણ કરાશે. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, અગ્રણી જગદીશ વિશ્વકર્મા, રાજ્ય સરકારના મંત્રીઓ, સામાજિક અગ્રણીઓ, સાંસદો, ધારાસભ્યો, સંતો-મહંતો અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd