અમદાવાદ, તા. 9 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી
સોસાયટીમાં પેઇંગ ગેસ્ટ (પીજી)માં રહેતી યુવતી પર રાત્રે સિક્યુરિટી ગાર્ડ દ્વારા વાયરથી
ગળું દબાવીને દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. મૂળ કચ્છની યુવતી
રાત્રે સોસાયટીની અગાસી પર ચાલવા ગઈ હતી ત્યારે પાછળથી ત્યાં પહોંચેલા સિક્યુરિટી ગાર્ડે
કથિત રીતે તેની પર હુમલો કરીને દુષ્કર્મ આચર્યું હતું. સિક્યોરિટી ગાર્ડને ચાર-પાંચ
દિવસ અગાઉ જ નોકરી પર રાખવામાં આવ્યો હતો અને એજન્સી દ્વારા તેનું વેરિફિકેશન પણ કરવામાં
આવ્યું નહીં હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ઘટનાથી આક્રોશ ફેલાયો છે અને વાલીઓ
પણ ચિંતિત બન્યા છે. આ ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ આનંદનગર વિસ્તારમાં પીજીમાં રહેતી
યુવતી ગુજરાત યુનિવર્સિટીમાં ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ કરે છે. તે રાત્રે અગાસી
પર ચાલવા માટે ગઈ હતી ત્યારે સોસાયટીનો સિક્યોરિટી ગાર્ડ ધર્માસિંહ રામશંકરાસિંહ તેની
પાછળ ત્યાં પહોંચ્યો હતો. તેણે અગાસી અંદરથી બંધ કરી દીધી હતી અને યુવતી પાસે બિભત્સ
માગણી કરી હતી. જો કે, યુવતીએ ઈન્કાર
કરતાં સિક્યોરિટી ગાર્ડે અગાસી પર રહેલા વાયર વડે તેનું ગળું દબાવી તેના પર દુષ્કર્મ
આચર્યું હતું. ત્યારબાદ આરોપી યુવતીનો ફોન લઈને તેને બહારથી લોક કરી તે નાસી છૂટ્યો
હતો. યુવતીએ બૂમાબૂમ કરતાં નીચે જ રહેતા પાડોશીઓ અગાસી પર દોડી આવ્યા હતા અને તેણે
દરવાજો ખોલી યુવતીને હકીકત પૂછતાં આ ઘટનાની જાણ થઈ હતી. બાદમાં આનંદનગર પોલીસને ઘટનાની
જાણ કરાતાં પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો. યુવતીને ઇજાઓ પણ થઇ હોવાનું જાણવા મળ્યું
છે. આરોપીની ઓળખ ધર્માસિંહ રામશંકરાસિંહ તરીકે
થઈ છે અને તે મૂળ ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લાનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર તે છેલ્લા ચાર વર્ષથી અલગ-અલગ સિક્યુરિટી એજન્સીઓ સાથે કામ
કરતો હતો. છેલ્લે ત્રણ એજન્સીઓમાંથી ચોરી, ચાલુ નોકરીએ ઊંઘતો
હોવાથી અને યુવતી સાથે તોછડી રીતે વાતચીત સબબ તેને તગડી દેવાયો હતો અને ચાર-પાંચ દિવસ
પહેલાં જ છેલ્લી એજન્સી મારફતે આ સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ પર આવ્યો હતો.
થલતેજમાં આ સિક્યુરિટી એજન્સીની ઓફિસ આવેલી છે. આ બનાવનાં પગલે આ સિક્યુરિટી એજન્સીના
માલિકો સતીન્દ્ર દુબે, શિવકુમાર અને આર. પી. તિવારી ભૂગર્ભમાં
ઊતરી ગયાનું સામે આવ્યું છે. ખરેખર 160 દિવસની તાલીમ બાદ જ ગાર્ડ તરીકે નોકરી પર રખાય પરંતુ ધર્મસિંહને
માત્ર આધારકાર્ડના આધારે નોકરી પર રાખી દેવાયાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પોલીસે
તેની ધરપકડ બાદ પૂછપરછ અને તબીબી કાર્યવાહી શરૂ કરી છે. મીડિયા અહેવાલ મુજબ જેસીપી
નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, આરોપી
ગળું દબાવીને દુષ્કર્મ કર્યા બાદ નાસી ગયો હતો. પોલીસે 10થી વધુ ટીમ બનાવીને તેને ઝડપી પાડયો હતો.
સેક્ટર-1ના જેસીપીએ આપેલી માહિતી પ્રમાણે ઘટના રાત્રિના
સમયે બની હતી. યુવતી ટેરેસ પર ગઈ હતી ત્યારે સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં પહોંચ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ ટેરેસનો દરવાજો બંધ કરી યુવતીનું ગળું દબાવ્યું અને ત્યારબાદ
તેની પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવાની
પ્રક્રિયા પણ શરૂ કરી છે. એફએસએલની ટીમને બોલાવીને સ્થળ પરથી જરૂરી પુરાવા લેવામાં
આવ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મેડિકલ તપાસ અને ડીએનએ સહિતના વૈજ્ઞાનિક પુરાવાની
પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ કમિશનરની સૂચના બાદ આરોપીને શોધવા માટે
10થી વધુ ટીમો બનાવવામાં આવી હતી. તેમાં સ્થાનિક
પોલીસ ઉપરાંત ઝોન-7ની કઈઇ, ઝોન-1ની કઈઇ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. પોલીસને મળેલી બાતમી અને ટેકનિકલ તપાસના
આધારે આખરે આરોપીને હેબતપુર નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે
ઘટના બાદ ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસ આરોપીની પૂછપરછ કરી
રહી છે. તેની મેડિકલ તપાસ બાદ અન્ય કાયદાકીય કાર્યવાહી અને પંચનામાની પ્રક્રિયા હાથ
ધરવામાં આવશે.
અમદાવાદમાં અભ્યાસ કરતી છાત્રાઓને પરત બોલાવાઈ
અમદાવાદ, તા. 9 : અહીંના દુષ્કર્મ કેસમાં આરોપીને
પોલીસે ઝડપી પાડ્યો હતો, તો બીજીબાજુ
અમદાવાદ હોસ્ટેલ અને પીજીમાં રહેતી દીકરીઓના
વાલીઓ ભયના માર્યા પરત બોલાવી રહ્યા છે. જેની સાથે બનાવ બન્યો એની સાથે બે એમ ત્રણ દીકરીઓ સાથે રહેતી હતી. કચ્છની અમુક
છાત્રાઓ હોસ્ટેલમાં પણ રહેતી હતી. સમાચાર દાવાનળની જેમ ફેલાતાં વાતાવરણમાં ભયનું લખલખું
ફેલાઈ જવા પામ્યું હતું. સાથે છાત્રાઓની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો હતો.
કચ્છના વાલીઓમાં ચિંતા : નરાધમને ફાંસી આપવા માંગ
ભુજ, તા. 9 : કચ્છથી સેંકડો કન્યાઓ ઉચ્ચ
અભ્યાસ માટે અમદાવાદ જાય છે અને પી.જી.માં રહે છે ત્યારે આનંદનગરની ઘટનાએ કચ્છના વાલીઓમાં
ચિંતા ફેલાવી છે. સિકયુરિટી ગાર્ડને પૂરી ખરાઇ કરીને રાખવામાં આવ્યો નહોતો ત્યારે પોલીસ
અને વહીવટી તંત્ર આ મામલે કડક બને અને નિયમોનું પાલન કરાવે તે જરૂરી છે. અમદાવાદમાં
ચાલતા સંખ્યાબંધ પી.જી.માં સિકયોરિટી ગાર્ડ ઉપરાંત અન્ય તમામ કર્મચારીઓને યોગ્ય ખરાઇ
બાદ જ નીમવામાં આવે તેવી માંગ ઊઠી છે. આ ફિટકારરૂપ ઘટનાના પગલે સ્થાનિકો, કચ્છના વાલીઓ તથા પીડિતાના પરિજનોમાં ભારે રોષ
ફેલાયો છે. આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવીને નરાધમને ફાંસીની સજા થાય તેવી ઉગ્ર
માંગ પણ ઊઠી છે.