ભુજ, તા. 31 : શહેરની જી. કે. જનરલ હોસ્પિટલ
સંકુલમાં આવેલી મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જનની સરકારી કચેરીને કોર્ટના
ઐતિહાસિક હુકમ બાદ તાળાં લગાવી અરજદારને કબજો સોંપવામાં આવતાં ચકચાર ફેલાઈ છે, સંભવત: કચ્છના ઈતિહાસમાં આવો પ્રથમ કિસ્સો છે,
જે સરકારી મિલકત પર ખાનગી અરજદારનાં તાળાં લાગી ગયાં છે. જાણકાર સૂત્રોમાંથી
પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવની વિગતો એવી છે કે, કચેરીના પૂર્વ
મેડિકલ ઓફિસર ડો. હીરજી ભુડિયા ચાલુ નોકરી દરમ્યાન વિદેશ ચાલ્યા ગયા હતા, ચારેક વર્ષ બાદ તેઓ પરત આવી ફરી નોકરીએ રાખવા તેમજ પગાર સહિતના લાભો આપવા માંગ
કરી હતી, પરંતુ આ મામલો આરોગ્યની ઉપલીકક્ષાની કચેરીનો હોવાથી
સ્થાનિકે ન રખાતાં આ અધિકારીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જો
કે, 2003માં તેમના વિરુદ્ધ ચુકાદો આવ્યા બાદ અરજદારે ઉપલી કોર્ટમાં
અરજી કરી 25 વર્ષ સુધી લડત ચલાવી હતી, જેમાં 2018માં કેસ જીતી જતાં કોર્ટે આરોગ્ય
તંત્રને વર્ષ 2011 સુધીની રકમ ચૂકવવા આદેશ કર્યો
હતો. પરંતુ તંત્રે રકમ ન ચૂકવી કોર્ટના આદેશનો અનાદર કર્યે રાખતાં ડો. ભુડિયાએ કોર્ટમાં
તામિલ (અમલવારી અરજી) રજૂ કરી હતી, જેની કોર્ટે ગંભીર નોંધ લઈ ગત ડિસેમ્બર
માસમાં સિવિલ સર્જન કચેરીમાં જંગમ મિલકત જપ્તીનો હુકમ કર્યા બાદ કચેરીનાં કોમ્પ્યુટર
તથા ફર્નિચર જેવી મિલકતો જપ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ બાકી રહેતી રકમ સંબંધિત તંત્ર
દ્વારા કોર્ટમાં જમા કરાવવા જણાવાયું હતું, તેમ છતાં અમલવારી
ન થતાં કોર્ટે સરકારી તંત્રની બેદરકારીની ગંભીરતાથી નોંધ લઈ અંતે સિવિલ સર્જનની કચેરીનો
કબજો જ્યાં સુધી રકમ ન ચૂકવાય ત્યાં સુધી અરજદારને સોંપવા આદેશ કર્યા બાદ શુક્રવારે
આ કચેરીને પંચોની હાજરીમાં તાળાં લગાવાયાં હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે આ
મુદ્દો ગંભીરતાથી ન લેતાં સમયાંતરે આ રકમ વધતી વધતી 80 લાખથી ઉપર થઈ ગઈ છે. અત્રે
ઉલ્લેખનીય છે કે, અગાઉ મેડિકલ
બોર્ડ દ્વારા પણ અરજદારને પગાર ચૂકવવવા સ્પષ્ટ આદેશ આપ્યો હોવા છતાં રકમ ન ચૂકવાતાં
મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. દરમ્યાન આરોગ્ય તંત્રના સત્તાવાર સૂત્રોમાંથી જાણવા
મળેલી વિગતો મુજબ અગાઉ કોર્ટ દ્વારા મળેલી નોટિસ પ્રમાણે 31મી જુલાઈએ આ કચેરી બિલ્ડિંગનો કોર્ટ દ્વારા
કબજો લેવાનો હોઈ કચેરીમાં કોઈ પણ સામાન હોય, તો ખસેડી લેવો તેમજ જે તે જવાબદાર અધિકારીએ હાજર રહેવા જણાવાયું હતું. જેને
પગલે આરોગ્ય તંત્ર દ્વારા તાજેતરમાં જ આ કચેરીનો વહીવટી સામાન શહેરના કેમ્પ વિસ્તારમાં
આવેલી માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે ખસેડી લેવામાં આવ્યો હતો. જો કે, આ કચેરીમાં હજુ પણ વેન્ટિલેટર જેવાં સાધનો પડયાં હોવાથી સરકારી આરોગ્ય તંત્રની
ઉચ્ચ કચેરી દ્વારા સૂચના આવ્યા બાદ ખસેડી લેવાની આરોગ્ય તંત્રની હૈયાધારણ બાદ બંને
પક્ષે સહમતી સધાઈ હતી. - અરજદારોને
હાલાકી : બીજીતરફ સિવિલ સર્જનની માનસિક આરોગ્યની કચેરીમાં સ્થળાંતર થઈ જતાં અરજદારોને
હાલાકી ભોગવવી પડતી હોવાની ફરિયાદો ઊઠવા પામી છે. કોર્ટના આદેશ બાદ કોઈ પણ જાતની જાહેરાત
વિના કચેરી અચાનક ખસેડાઈ જતાં સરકારી કર્મચારીઓ,
પેન્શરો, જુદાં જુદાં આરોગ્યને લગતાં સર્ટિફિકેટ,
લીકર પરમિટ જેવાં અનેક કામોના અરજદારો આ કચેરીએ આવી પુછા કરતા જોવા મળ્યા
હતા.