મુંદરા, તા. 31 : મુંદરા પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલા ચકચારી કસ્ટોડિયલ ડેથ કેસના આરોપીના જામીન પૂર્ણ થયા હોવા છતાં હાજર ન થતાં એ આરોપી દેશ બહાર ભાગી જાય તેવી શક્યતા હોવાની રજૂઆત સાથે ત્વરિત ધરપકડ કરીને કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. ફરિયાદી દેવરાજ રતનભાઇ ગઢવીએ મુંદરા એએસપીને પાઠવેલા પત્રમાં જણાવાયું હતું કે, આરોપી શક્તાસિંહ યોગેન્દ્રાસિંહ ગોહિલને હાઇકોર્ટ દ્વારા તા. 30/6/26ના ટૂંકા ગાળાના જામીન મંજૂર થયા હતા અને તા. 10/7/26ના તે પૂર્ણ થવા છતાં ગળપાદર જેલ મધ્યે હાજર થવાનું હતું, ને હાજર થયા નથી. આ આરોપી ફરાર રહેતાં ફરિયાદી તથા કેસના સાક્ષીઓને જાનનું જોખમ છે તેમજ આરોપી દેશ બહાર ભાગી જાય તેવી પણ શક્યતા છે. ત્યારે એમની ધરપકડ થાય એવી માંગ કરાઈ છે. આ રજૂઆતમાં સમાજના આગેવાનો જોડાયા હતા.