રાપર, તા. 31 : તાલુકાના ચિત્રોડા આરોગ્ય કેન્દ્રમાં
ધારાસભ્ય ની સૂચનાથી પ્રજાકીય પ્રતિનિધિ દ્વારા કરાયેલી તપાસ દરમિયાન વ્યાપક બેદરકારી
છતી થઈ હતી આ સંદર્ભે કડક કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે. મળતી વિગતો મુજબ ભચાઉના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ
આહીર, જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય અને કચ્છ જિલ્લા
આરોગ્ય સમિતિના સભ્ય સુરેશભાઈ મકવાણાએ સંયુક્ત રીતે ચિત્રોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની
ઓચિંતી મુલાકાત લઈને આરોગ્ય સેવાઓની વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરી હતી.તપાસ દરમિયાન
આરોગ્ય કેન્દ્રમાં ફરજ પર હાજર રહેવા પાત્ર ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડૉ મનીષાબેન પ્રજાપતિ,MPHS, FHS સહિતના કેટલાક કર્મચારીઓ ગેરહાજર
હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત આરોગ્ય કેન્દ્રના ફાર્મસી વિભાગની ચકાસણી દરમિયાન
મોટા પ્રમાણમાં એક્સપાયરી થઈ ગયેલી દવાઓ મળી આવતાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે
આવી છે. આ સમગ્ર બાબતને અત્યંત ગંભીરતાથી લઈ કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ
ભંડેરીને તાત્કાલિક જાણ કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરીને જવાબદાર
અધિકારીઓ તથા કર્મચારીઓ સામે નિયમો મુજબ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરવામાં
આવી છે.સાથે જ રાપર તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. મોતીલાલ રાયને પણ સમગ્ર ઘટનાની વિગતવાર
જાણ કરીને ફરજમાં બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે યોગ્ય વિભાગીય કાર્યવાહી કરવા સૂચના
આપવામાં આવી છે. આરોગ્ય સેવાઓમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં અને
દર્દીઓને ગુણવત્તાસભર તથા સુરક્ષિત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે સતત દેખરેખ રાખવામાં
આવશે તેવો કડક અને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.