• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

દુષ્કર્મના કેસમાં ભુજવાસીને 10 વર્ષની કેદ

ભુજ, તા. 31 : સગીરા સાથે દુષ્કર્મના કેસમાં ભુજના આરોપી અમજદ અલીમામદ ખલીફાને પોક્સો કેસો માટેની ખાસ અદાલતે તકસીરવાન ઠેરવી 10 વર્ષની સખત કેદ અને 25,000નો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો. ગત જુલાઈ-2025માં આરોપીએ સગીર વયની કન્યા સાથે મિત્રતા કેળવી હતી અને તેના ફોન નંબર મેળવ્યા હતા. ત્યારબાદ અવાર-નવાર તેને ફોન કરી લલચાવી-ફોસલાવી પ્રેમસંબંધ બાંધ્યો હતો અને લગ્ન કરવાની લાલચ આપી તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ બદકામ કર્યું હતું. આ કેસમાં અદાલતે 25 દસ્તાવેજી પુરાવા અને 13 સાક્ષી તપાસ્યા હતા અને આરોપી અમજદને પોક્સ એક્ટની કલમ-4 મુજબ 10 વર્ષની સખત કેદની સજા અને રૂા. 25,000નો દંડ ફટકાર્યો હતો અને જો દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો. તે ઉપરાંત બીએનએસ-2023ની કલમ 137 (2) અને 87 મુજબ 1-1 વર્ષની સખત કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો. આ સાથે જ ભોગ બનનારને રૂા. 40,000નું વળતર ચૂકવવા માટે ડીએલએસએને ભલામણ કરવાનો હુકમ કર્યો હતો. આરોપી દ્વારા દંડની રકમ ભરવામાં આવે તે પીડિતાને ચૂકવવાનો આદેશ પણ કર્યો હતો. કોર્ટે સીડબ્લ્યુસી તથા ડીસીપીયુને ભોગ બનનારનો સંપર્ક કરી તેનું જીવન તથા શિક્ષણ સારી રીતે પુન: સ્થાપિત થાય તેની કાળજી લઈ યોગ્ય માર્ગદર્શન આપવા નિર્દેશ આપ્યો હતો. આ કેસમાં સરકાર તરફે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ. બી. જાડેજા અને ભોગ બનનાર વતી કાયદા સહાયક ધારાશાત્રી રીમાબેન રાઠોડ હાજર રહ્યા હતા. 

Panchang

dd