• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

ચંદ્રની સપાટી જેવા માર્ગોથી લોકોની કમર તૂટી

ગાંધીધામ, તા. 31 : ગાંધીધામ મહાનગરપાલિકાના 188 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં 750 કિલોમીટરનું રોડ નેટવર્ક છે, તે પૈકી ગાંધીધામ આદિપુરમાં 350 કિલોમીટરના રોડ નેટવર્કના લગભગ 70 માર્ગો અને ગ્રામીણ વિસ્તારના લગભગ 400 કિલોમીટરના રોડ નેટવર્કના લગભગ 30 ટકાથી વધુ માર્ગોની સ્થિતિ ખરાબ છે. કોર્પોરેશન વિસ્તારમાં ચંદ્રની સપાટી જેવા માર્ગોથી લોકોની કમર તૂટી રહી છે. ખાડાઓ પૂરવામાં ન આવતાં લોકોમાં આક્રોશ ફેલાયો છે. જોડિયા શહેરોના મોટાભાગના વિસ્તારોના માર્ગો ઉપર મોટા મોટા ખાડાઓ છે. મરામત કરવામાં આવતી નથી, પેચવર્ક થતા નથી, મલબો નાખવામાં આવતો નથી અને નવા માર્ગોનું કામ પૂર્ણ કરાતું નથી તે વધારાની મુસીબત છે. લગભગ માર્ગો ઉપર ખાડાઓનું સામ્રાજ્ય હોવાથી લોકોને શારીરિક તકલીફો શરૂ થઈ છે, વાહનોને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે. લોકો ઓનલાઇન તેમજ સુવિધા કેન્દ્રમાં ફરિયાદો કરી રહ્યા છે પરંતુ એન્જિનીયરો લોકોને કનડતી સમસ્યાઓ ઉપર ધ્યાન આપતા નથી, પરિણામે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કમિશનર બદલાયા બાદ આખું વહીવટી તંત્ર ખાડે જઈ રહ્યું છે. તત્કાલીન કમિશનર મનીષ ગુરવાની લોકોની ફરિયાદો ઉપર ધ્યાન આપતા હતા અને ઇજનેરો પાસે કામગીરી કરાવતા હતા. પરંતુ તેમની બદલી બાદ વહીવટ ખાડે ગયો છે. કોન્ટ્રાક્ટરો મનસ્વી રીતે કામગીરી કરી રહ્યા છે. ટેન્ડરોની શરતોનું પાલન થતું. નથી નબળી ગુણવત્તાનાં કામ થઈ રહ્યાં છે, તેવા ગંભીર આક્ષેપો લોકો કરી રહ્યા છે. માર્ગોના મરામતની કામગીરી ન થતાં લોકોમાં આક્રોશ છે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં સ્થિતિ ખરાબ છે, સમુદ્રમાં આકાર લેતા ચક્રવાતના કારણે વરસાદ પડવાની સંભાવના હવામાન  વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, તે વચ્ચે માર્ગોના ખાડા મુસીબત બને તેવી ભીતિ છે. પગપાળાને ચાલવા લાયક માર્ગો રહ્યા નથી, ચંદ્રની સપાટી જેવા હોવાથી વાહન ચલાવવા તો બહુ મુશ્કેલ છે.  અકસ્માતનો ખતરો વધી રહ્યો છે. મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર લોકોને કનડતી ગંભીર સમસ્યાઓ ઉપર ધ્યાન આપીને કામગીરી કરે તેવી માંગ લોકો કરી રહ્યા છે. લગભગ માર્ગો ઉપર ખાડાઓ છે. શહેરી વિસ્તારમાં 70 ટકા અને ગ્રામીણ વિસ્તારમાં 30 ટકાથી વધુ ખાડાઓ છે, તે મુદ્દે  કમિશનર પગલાં ભરે એવી માંગ લોકો કરી રહ્યા છે. - કોર્પોરેટરો મલબાની માંગ કરે છે : ગાંધીધામ આદિપુર અને ગ્રામીણ વિસ્તારમાં માર્ગોની સ્થિતિ સારી નથી. ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા માર્ગોની મરામત કરવામાં આવે અથવા તો ખાડાઓમાં મલબો નાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અનેક કોર્પોરેટરો મહાનગરપાલિકાની કચેરીના ધક્કા ખાય છે અને લોકોની સમસ્યાઓ લઈને આવે છે પરંતુ તંત્રની ગંભીર બેદરકારીએ કોઈ કામો થતાં નથી  

Panchang

dd