ભુજ, તા. 31 : માંડવી તાલુકાના પદમપુરમાં
કોઈ સાયબર ગઠિયાએ ખેડૂતના ખાતામાંથી જુદા-જુદા ટ્રાન્ઝેક્શન કરી ટુકડ-ટુકડે રૂા. 6,33,986 સેરવી લીધા હોવાની ફરિયાદ સાયબર
ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, ગત જૂન માસમાં ખેડૂત એવા ફરિયાદી મોહનલાલ શામજીભાઈ
રામાણીના ખાતમાંથી જુદા-જુદા ટ્રાન્ઝેક્શન થયા હોવાના મેસેજ આવ્યા હતા, જેમાં ટુકડે-ટુકડે કુલ રૂા. 6,33,986 કોઈ સાયબર ચોરે સેરવી લીધા હતા. મોબાઈલમાં વધુ તપાસ કરતાં તેમના
ફોન પર વિવિધ કંપનીઓના ઓટીપી આવ્યા હતા, પરંતુ ફરિયાદીએ કોઈ પણ ઓટીપી કોઈ પણ શખ્સને આપ્યા નહોતા. ત્યારબાદ ફરિયાદી
ગામમાં આવેલી બેંકની શાખામાં ગયા હતા અને ખાતું બ્લોક કરાવ્યું હતું. પોતાની સાથે સાયબર
ફ્રોડ થયાનું માલૂમ પડતાં ભોગ બનનારા ખેડૂતે બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં
ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. - સમાઘોઘામાં બેંક ખાતાં હેક
કરી 24 હજાર સેરવાયા : મુંદરા તાલુકાના સમાઘોઘામાં બેંક ખાતામાંથી
ઓટોમેટિક કપાયેલા નાણાં બાબતે વિશ્વાસ કેળવી ફરિયાદીના બેંક ખાતાઓ હેક કરી કુલ રૂા.
24,500 સેરવી લેવાયા હતા. આ મામલે
દિલીપકુમાર બીજય તિવારીએ મુંદરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, તેમના ખાતામાં ઓટોપે મારફતે 199 કપાયા હતા, જે પરત આપવા એક અજાણ્યા શખ્સે ફરિયાદીને વોટ્સએપ
કોલ કર્યો હતો, જેમાં તેમનો ફોન હેક થતાં એચડીએફસી બેંક તથા બેંક
ઓફ બરોડાના ખાતામાંથી કુલ રૂા. 24,500 પોતાના એક્સિસ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ મામલે
મુંદરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.