• રવિવાર, 31 મે, 2026

રાયધણપર-નાના વરનોરાના ટકરાવે સર્જી અજંપાભરી સ્થિતિ

રાયધણપર (તા. ભુજ), તા. 30 : ગઇકાલે રાયધણપર અને નાના વરનોરામાં યુવાનો વચ્ચે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ શુક્રવારે રાત્રે રાયધણપર ગામે નાના વરનોરાના યુવાનોનાં ટોળે-ટોળાં ધસી આવી સામૂહિક હલ્લો બોલાવતાં હુલ્લડ જેવી પરિસ્થિતિ ઊભી થતાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતના પોલીસ કાફલાએ ધસી આવી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી, પરંતુ બીજા દિવસે બન્ને ગામમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને આજે દિવસભર અજંપાભરી સ્થિતિ રહી હતી. બનાવ અંગે 23 નામજોગ અને અન્ય પાંચથી સાત એવાં ટોળાં સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવાઇ છે. શુક્રવારની રાત્રે સામાન્ય બોલાચાલી બાદ રાયધણપર ગામનો વીજપુરવઠો ખોરવી ગામમાં અંધારપટ કરી આયોજનબધ રીતે ગામ ઉપર થયેલ હુમલાની ઘટનાનાં પગલે પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક વિકાસ સુંડા જાતે રાયધણપર ખાતે પોલીસ કાફલા સાથે દોડી આવ્યા હતા અને નાના વરનોરામાં સઘન નાઇટ કોમ્બિંગ હાથ ધર્યું હતું. દરમ્યાન રાયધણપરના રહેણાક મકાનો અને શેરીઓમાં રાત્રે અંધારપટ કરી થયેલા પથ્થરમારાનાં પગલે ગામની શેરીઓ પથ્થરોથી ખડકાઇ ગઇ હતી. બીજી તરફ ટોળાં દ્વારા થયેલા પથ્થરમારાની ઘટનામાં રાયધણપરના રાજેશ અંબાલાલ ચાવડા (આહીર) નામના યુવાનને કપાળના ભાગે પથ્થર વાગતાં બ્રેઇન હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચતા સૌ પ્રથમ ભુજની જનરલ હોસ્પિટલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારે રાત્રે રાયધણપરના બનાવ અંગે ગામના દર્શનભાઇ મોહનભાઇ બરાડિયાએ માધાપર પોલીસ મથકે આરોપી સલીમ મામદ મોખા, અબુ સુફિયાન મોખા, સાહિલ સિદિક મોખા, અબ્બાસ મામદ મોખા, સમીર અબ્દુલ મમણ, રઝાક સિદિક મેર, ફિરોજ રજાક મમણ, શોએબ સિદિક મોખા, અમન કરીમ મમણ, અકરમ જુશબ મમણ, મજીદ ઇબ્રાહીમ કેવર, હનીફ રમજુ કેવર, હનીફ અજીજ મમણ, ઉમર અજીજ મમણ, રેહાન હનીફ ખલીફા, ઇબ્રાહીમ મામદ મમણ, દાઉદ ઇબ્રાહીમ કેવર, એઝાઝ ઉમર મેર, સમીર અજીજ મમણ, અફતાબ હનીફ કેવર, આઝાદ મામદ કેવર, અલ્તાફ લતીફ કેવર, મામદ લાખા મોખા અને બીજા પાંચથી સાત અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં નોંધાવેલી વિગત મુજબ શરૂના એકથી છ આરોપી રાયધણપર આવ્યા અને ફરિયાદી તથા સાહેદને અમારા સામે કેમ જુઓ છો કહી બોલાચાલી કરી ધમકી આપી બાદમાં બીજા આરોપીઓને બોલેરોમાં બોલાવી ગાડી ગામના લોકો ઉપર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બાદ અન્ય ટોળે-ટોળાં બોલાવતાં રાયધણપરના ગ્રામજનો પણ એકત્ર થઇ ગયા હતા, જેના પર આરોપીઓનાં ટોળાંએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં ગામના રાજેશ ચાવડાને  માથામાં ઇજા  પહોંચ્યાનું લખાવાયું છે. આવેલાં ટોળાંએ લાકડી અને ધોકાથી હુલ્લડ કર્યાની વિગતો ફરિયાદમાં નોંધાવતાં પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે અને આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં હતાં. પરિસ્થિતિ વધુ ન વણશે તે માટે બંને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાતાં ગામ પોલીસ છાવણીમાં ફેરવાયા છે. બીજી તરફ રાયધણપર ગામ ઉપર થયેલા સામૂહિક હુમલાની ચકચારી ઘટનાના સમગ્ર કચ્છમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને રાયધણપરમાં પોલીસ તપાસનો ધમધમાટ ઉપરાંત ભુજથી કેટલાક મુસ્લિમ આગેવાનો નાના વરનોરા પણ પહોંચ્યા હતા. રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ બરાડિયા, જિલ્લા પંચાયત શાસક પક્ષ નેતા ધનજીભાઇ ચાવડાએ ભુજ ખાતે રાયધણપરના ઇજાગ્રસ્ત યુવાનની મુલાકાત લઇ ખબરઅંતર પૂછ્યા હતા. - વિ.હિ.પ.એ ઘટનાને વખોડી : ભુજ તાલુકાના રાયધણપર ગામે વરનોરાના અમુક અસામાજિક તત્ત્વો દ્વારા કરાયેલ હુમલાને શખત શબ્દોમાં વખોડી વિ.હિ.પ. પરિષદે કડક પગલાં લેવાની માંગ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદની ટીમ ગામની મુલાકાતે ગઇ હતી. તેમને જણાવ્યું હતું કે, આ ઘટનામાં જે જે લોકો સામેલ છે, જેના ઉપર શખત કાર્યવાહી કરવામાં આવે, સાથે આવનારા દિવસોમાં પરિષદ દ્વારા કચ્છની સરહદની રક્ષા માટે જે કાર્ય કરવું પડશે તે કરશે. આ કાર્યમાં પોલીસે યોગ્ય સમયે પહોંચીને સુંદર કાર્ય કર્યું હોવાનું જણાવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના કચ્છ વિભાગના વાલી કીર્તિભાઇ જાટિયા, વિભાગ સહમંત્રી દિનેશભાઇ ગજ્જર, જિલ્લામંત્રી નાજાભાઇ ભરવાડ, અશોકસિંહ રાજપુરોહિત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd