• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

કોલેજિયન યુવતીની હત્યા કેસમાં બેને આજીવન કેદ

ભુજ, તા. 23 : આઠેક માસ પૂર્વે એકતરફી પ્રેમમાં કોલેજની છાત્રા 19 વર્ષીય સાક્ષી ખાનિયા (ભાનુશાલી)ને ક્રૂરતાપૂર્વક ગળામાં છરીના ઘા મારી કરપીણ હત્યાના ચકચારી કેસમાં મુખ્ય આરોપી મોહિત મૂળજી સિદ્ધપુરા (ઉ.વ. 22, રહે. ગાંધીધામ) તથા મદદગાર આરોપી જયેશ જયંતીજી ઠાકોર (ઉ.વ. 22, રહે. મેઘપર બો., તા. અંજાર)ને આજીવન કેદની સજા ફટકારતો ધાક બેસાડતો ચુકાદો જિલ્લા અદાલતના જજ ડી.પી. મહિડાએ આપ્યો છે. અહીં એ નોંધનીય છે કે આ કેસમાં ચાર્જસીટ દાખલ કર્યાના ચાર જ મહિનામાં કેસ ચલાવીને તેને અંજામ સુધી લઈ જવાયો છે. સાક્ષી ભાનુશાલીની હત્યાના આ બનાવ વખતે કોલેજિયન યુવાનોમાં અત્યંત ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને સાક્ષીને ન્યાય અપાવવા યુવાનોએ કેંડલમાર્ચ સાથે ભુજના માર્ગ પર નીકળી મોઘમમાં આક્રોશ દર્શાવ્યો હતો. યુવાનોમાં વધતી આક્રમકતા તથા શિસ્ત-નૈતિકતાનું સ્તર કથળતાં આવી ઘટનાઓને લઈને બુદ્ધિજીવીઓએ પણ ચિંતા દર્શાવી હતી. આમ ભુજ જ નહીં કચ્છ અને ગુજરાતભરમાં ચકચાર મચાવનારા આ કેસમાં આજીવન કેદનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. 75 દસ્તાવેજી પુરાવા તથા 31 સાક્ષી તપાસીને આરોપી મોહિત અને મદદગાર આરોપી જયેશને તકસીરવાન ઠેરવી બન્નેને આજીવન કેદની સજા તથા 25-25 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદ તથા મૃતકના માતા-પિતાને રૂા. પાંચ લાખ વળતર પેટે ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને હુકમ પ્રિન્સિપાલ સેશન્સ જજ શ્રી મહિડાએ આપ્યો હતો. આ કેસમાં ફરિયાદ પક્ષે મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહી સાક્ષી તપાસી દલીલો કરી હતી. આ ઉપરાંત ફરિયાદીના વકીલ કે.પી. ગઢવી તથા બી.જે. ભાનુશાલી હાજર રહ્યા હતા. જે-તે સમયે અત્યંત ટોક ઓફ ધ ટાઉન બનેલા આ કેસની વિગતો મુજબ ગાંધીધામની સાક્ષી ભુજની સંસ્કાર કોલેજમાં બી.સી.એઁ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને ભાનુશાલી કન્યા છાત્રાલયમાં રહેતી હતી. ગાંધીધામમાં સાક્ષીની પડોશમાં રહેતા મોહિતે સાક્ષીને ફોન કરી ધમકી આપી કે, હું તને પ્રેમ કરું છું, તું તારો અભ્યાસ ભુજથી મૂકી ગાંધીધામ આવી જા. નહીંતર હું પ્રેમ સંબંધની જાણ તારા માતા-પિતાને કરી દઈશ. આથી સાક્ષીએ મોહિતને બ્લોક કરી દીધો હતો. આથી એકતરફી પ્રેમમાં મોહિત ગુસ્સામાં આવી સહ આરોપી જયેશના ઘરે ગયો અને ત્યાંથી બન્ને જયેશની બાઈકથી ભુજ આવવા નીકળ્યા, રસ્તામાં અંજારમાં મોહિતે છરી-ચપ્પુની દુકાનમાંથી એક છરી લઈ ભુજની સંસ્કાર કોલેજ બાજુ તા. 28/8/25ના આવ્યા હતા. કોલેજ પૂર્ણ થયા બાદ સંકુલની બહાર એપ્રોચ રોડ પર મોહિતે સાક્ષીને ઈજા પહોંચાડતાં સાક્ષી સારવાર માટે જયેશની બાઈકમાં નીકળતી હતી, ત્યારે ફરીથી મોહિતે આવી જઈ બાઈકમાં સાક્ષીની પાછળ બેસી સાક્ષીનું ગળું ચીરી નાખ્યું હતું. ગંભીર ઈજાનાં પગલે સાક્ષીએ સારવાર દરમ્યાન દમ તોડયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ બન્ને આરોપીને ઝડપી લીધા હતા. આ ચકચારી હત્યા કેસમાં ભાનુશાલી સમાજ તથા કોલેજિયન યુવાનોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. એ-ડિવિઝન પીઆઈ એ.એમ. પટેલ તપાસ હાથ ધરીને નેત્રમ સી.સી.ટી.વી. ફૂટેજ, છરી, લોહીના દાગવાળા આરોપીનાં કપડાં કબજે કરી એફ.એસ.એલ.માં મોકલાવતાં બનાવને સમર્થિત કરાતા પુરાવા મળતાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં કોર્ટે આરોપીઓને તકસીરવાન ઠેરવતો ચુકાદો આપ્યો છે. 

Panchang

dd