ભુજ, તા. 14 : વાહનચોરીના કિસ્સામાં પોલીસ
ફરિયાદ ભલે મોડી થઈ હોય તો પણ વાહનમાલિકને વીમાની રકમ ચૂકવવા વીમા કંપની બંધાયેલી છે, તેવો જિલ્લા કમિશન તરફથી ચુકાદો આપવામાં આવ્યો
હતો. મૂળ ગાંધીધામના ફરિયાદી સૂર્યકાંત વર્ધમાન શાહે પોતાની બોલેરો ગાડી પોતાનાં ઘર
પાસે પાર્ક કરી હોવા છતાં ચોરાઈ ગઈ હોવાની ફરિયાદ કરી હતી. વાહન શોધવા પોતે માલિક તથા
પોલીસ દ્વારા પ્રયાસો કરાયા છતાં વાહન નહીં મળતાં ધ ન્યૂ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની
સમક્ષ ક્લેઈમ માટે દાદ માગી હતી. પુરાવા સાથે કરાયેલી માગણી બાદ પણ વીમા કંપની દ્વારા
ખોટા કારણોસર ક્લેઈમ નામંજૂર કરવામાં આવતાં વાહનમાલિકે પોતાના વકીલ મારફતે જિલ્લા કમિશન
સમક્ષ ફરિયાદ કરી હતી. સામા પક્ષ તરફથી દલીલો અને ફરિયાદ પક્ષે ધારદાર રજૂઆતના અંતે
જિલ્લા કમિશનના પ્રમુખ એચ.એચ. ઓઝા તથા સભ્ય પી.વાય. જોષીએ રજૂ કરેલા પુરાવાને ધ્યાને
લઈ વાહનની આઈ.ડી.વી. પ્રમાણે રૂા. 5.89 લાખ 9 ટકા વ્યાજ
સાથે ચૂકવવા ચુકાદો કર્યો સામે ખર્ચ અને માનસિક ત્રાસ બદલ પણ રકમ ચૂકવવા જણાવ્યું હતું.
ફરિયાદીના ધારાશાત્રી રાજેશભાઈ ઠક્કર, વિક્રમ ઠક્કર અને હાર્દિક જોબનપુત્રા રહ્યા હતા.