ભુજ, તા. 5 : આઈપીએલ ક્રિકેટનો જ્વર શરૂ થતાં સટ્ટોડિયાઓ
પણ મેદાનમાં આવી ચૂક્યા છે. આ વચ્ચે ગઈકાલે રાતે માધાપરના ફાર્મ હાઉસમાં ચાલતા આવા
ક્રિકેટના સટ્ટા પર સ્થાનિક ગુનાશોધન શાખાની ટીમ ત્રાટકી હતી અને હાઈપ્રોફાઈલ જુગારના
અડ્ડાનો પર્દાફાશ કર્યો હતો, જેમાં
પપ.2પ લાખનો હાર-જીતનો સટ્ટો સામે આવ્યો હતો.
ત્રણ શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા. જાપાન અને પેરીસ લાઈન પર સોદા નાખતા બે
શખ્સ (મોબાઈલ નંબર) મળ્યા હતા. પાંચ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી થઈ છે. ગઈકાલે સાંજે એલસીબીને બાતમી મળી હતી કે, માધાપરના ગંગેશ્વર રોડ પર માધવબાગના ફાર્મ હાઉસમાં
જુગારનો અડ્ડો ચાલે છે, જેમાં ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન હાઈફાઈ
સટ્ટો રમી-રમાડાઈ રહ્યો છે. આ ચોક્કસ બાતમીનાં પગલે જરૂરી વોરન્ટ કઢાવી પંચોને સાથે
રાખી એલસીબીની ટીમે બાતમીવાળા માધવબાગ પ્લોટ નં. 4ના ફાર્મ હાઉસ પર દરોડો પાડતાં ત્યાં રહેતા
નીલેશ પ્રતાપભાઈ નંદા (ભાનુશાલી) તથા તેની સાથે મળતિયા એવા ધર્મેશ પ્રવીણભાઈ ચોથાણી
(ઠક્કર) (મૂળ રહે. મુલુંડ-વેસ્ટ, મુંબઈ)
અને નીતેશ હરેશભાઈ ભોજવાણી (મૂળ રહે. ઉલ્લાસનગર-પ, કલ્યાણ,
મુંબઈ)ને ઝડપી લીધા હતા. દરોડો પાડયો ત્યારે આઈપીએલની દિલ્હી વિરુદ્ધ
મુંબઈની મેચ ટીવીમાં ચાલુ હતી. નીલેશ નંદાની પૂછતાછમાં તેણે જણાવ્યું કે, બે લેપટોપ પૈકી એકમાં હાલ ચાલી રહેલી મેચના સોદાના હિસાબો છે. તેમાં જોતાં
કુલે રૂા. પપ,2પ,000ના સોદા થયેલા
હતા. બીજું લેટપોટ ઓનલાઈન એપમાં મેચના ભાવ જોવા માટે ઉપયોગમાં છે. અન્ય બે મોબાઈલમાં
એકમાં જાપાન લાઈનનો અને બીજો પેરીસ જેરી લાઈનનો મોબાઈલ હતો, જેમાં સોદા કરનારી વ્યક્તિઓના મોબાઈલ નંબર હતા.
અન્ય ત્રણ મોબાઈલનો ઉપયોગ ગ્રાહકો પાસેથી સોદા લેવા માટે થતો હતો. આમ આ દરોડોમાં ત્રણ
આરોપીને રૂા. પપ,25,000ના સોદા સાથે
ટીવી - એડપ્ટર કિં. રૂા. 15,000, બે
લેપટોપ કિં. રૂા. 20,000, આઠ
મોબાઈલ કિં. રૂા. 40,000, રાઉટર
કિં. રૂા. 1,000 એમ કુલે રૂા. 76,000ના મુદ્દામાલ સાથે ઝડપી આ ત્રણ
ઉપરાંત અન્ય જાપાન અને પેરીસ જેરી લાઈન પર સોદા કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ જુગારના અડ્ડાની
ધારા તળે માધાપર પોલીસ મથકે ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ હતી. આ કામગીરીમાં એલસીબીના
પીઆઈ એમ.એચ. શિણોલની સૂચના અને માર્ગદર્શનમાં હે.કો. રણજિતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, સુનીલ
પરમાર તથા જીવરાજભાઈ ગઢવી જોડાયા હતા.