બેંગ્લોર, તા. 5 : આઈપીએલ-2026માં ચેન્નાઈ સુપરકિંગ્સ (સીએસકે)ને
સતત ત્રીજી હાર ખમવી પડી છે. આજે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગૃહટીમ રોયલ ચેલેન્જર્સ
બેંગ્લોર (આરસીબી)એ તેને 43 રનના અંતરથી
હાર આપી હતી. આજની બીજી મેચમાં ટોસ હારીને બેટિંગ માટે ઊતરેલી બેંગ્લોરે ટિમ ડેવિડના
પાવર હિટિંગની મદદથી તેનો આ સિઝનનો શ્રેષ્ઠ એવો ત્રણ વિકેટે 250નો જુમલો ખડક્યો તેના જવાબમાં
ચેન્નાઈ માત્ર 207 રન જ બનાવી શકી હતી. ચેન્નાઈના
બેટધરો શરૂઆતથી જ દબાણમાં જણાયા હતા અને સરફરાઝ ખાન (25 દડામાં આઠ ચોગ્ગા, બે છગ્ગા સાથે 50), પ્રશાંતવીર (29 દડામાં છ ચોગ્ગા, 1 છગ્ગા સાથે
43) અને જેમી ઓવરોટન (16 દડામાં ચાર ચોગ્ગા, બે છગ્ગા સાથે 37) સિવાય એક પણ બેટધર નોંધપાત્ર
દેખાવ કરી શક્યા ન હતા. સેમસન (9), ઋતુરાજ ગાયકવાડ
(7), આયુષ મહાત્રે (1), કાર્તિક શર્મા (6) નિષ્ફળ રહેતાં ટીમ 20મી ઓવરના ચોથા દડે 207 રનમાં ઓલઆઉટ થઈ હતી. બેંગ્લોર
તરફથી ભુવનેશ્વર કુમાર (41માં ત્રણ)
સૌથી સફળ બોલર રહ્યો હતો, જ્યારે અભિનંદન
સિંહ, કૃણાલ પંડયા અને જેકોબ ડફીને 2-2 અને સુયેશ શર્માને 1 વિકેટ મળી હતી. આ અગાઉ ઓસ્ટ્રેલિયન બિગ
હિટર ટિમ ડેવિડની 8 છગ્ગાથી 70 રનની અણનમ વિસ્ફોટક ઈનિંગ્સની
મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 3 વિકેટે 2પ0 રનનો સ્કોર
ખડક્યો હતો. ટિમ ડેવિડે ડેથ ઓવર્સમાં સીએસકેના તમામ બોલર્સ સામે પાવર હિટિંગ કરીને
ફકત 2પ દડામાં 3 ચોગ્ગા અને 8 છગ્ગાથી અણનમ 70 રન કરી રનની આતશબાજી કરી હતી.
તેણે 19મી ઓવરમાં 106 મીટરનો છગ્ગો ફટકારી બોલ સ્ટેડિયમ
બહાર કરી દીધો હતો. પાવર પ્લેમાં 1 વિકેટે પ1 રન કરનાર
આરસીબીએ ડેવિડ અને કપ્તાન પાટીદારના બળે આખરી પ ઓવરમાં રનનો ધોધ વહાવીને 97 રનનો ઉમેરો કર્યો હતો. આ બન્ને
વચ્ચે ચોથી વિકેટની અતૂટ ભાગીદારીમાં માત્ર 36 દડામાં 99 રનની અતૂટ
અને ધસમસતી ભાગીદારી થઇ હતી. આરસીબી ઈનિંગમાં 19 છગ્ગા અને 14 ચોગ્ગા લાગ્યા હતા. આથી બાઉન્ડરીથી જ 170 રન બન્યા હતા. કપ્તાન પાટીદાર
29 દડામાં એક ચોગ્ગા, છ છગ્ગાથી આતશી 48 રને નોટઆઉટ રહ્યો હતો.દેવદત્ત
પડીક્કલે ધીમી શરૂઆત પછી ખભા ઊંચકી 29 દડામાં પ ચોગ્ગા-2 છગ્ગાથી પ0 રન કરી આઉટ
થયો હતો. જ્યારે ફિલ સોલ્ટે 30 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી 46 અને સ્ટાર
વિરાટ કોહલીએ 18 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગાથી 28 રનની ઝડપી
ઇનિંગ્સ રમી હતી. સીએસકે તરફથી કમ્બોજ, એવરટન અને દૂબેને 1-1 વિકેટ મળી હતી.