ગાંધીધામ/ભુજ, તા. 5 : અંજારના તુણામાં
પૂરપાટ આવતી ટ્રકે બાઇકને હડફેટમાં લેતાં ગામના શંભુ અરજણ ઝેર (આહીર) (ઉ.વ. 45) નામના યુવાનનું મોત થયું હતું.
ગઇકાલે નિંગાળ-રતનાલ માર્ગે નિંગાળ ચોકડી પાસે વૃક્ષોને પાણી પીવડાવવા ઊભેલાં ટેન્કરમાં
ટ્રક ઘૂસી જતાં ટ્રકચાલક પ્રવીણ ભીમારાય તાંબે (ઉ.વ. 26, રહે. કર્ણાટક)નું ગંભીર ઇજાનાં
પગલે મૃત્યુ થયું હતું. તુણામાં રહેનાર શંભુ ઝેર નામના યુવાનને ગઇકાલે સાંજે અકસ્માત
નડયો હતો. આ યુવાન બાઇક નંબર જીજે-12-ડીકે-3174 લઇને વાડીએ
જઇ રહ્યો હતો. તે બેંક ઓફ બરોડા સામે રોડ ઉપર પહોંચ્યો હતો, તેવામાં પોર્ટ બાજુથી પૂરપાટ આવતી ટ્રક નંબર
જીજે-39-ટીબી-9197એ પાછળથી હડફેટમાં લેતાં આ
યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી, તેને સારવાર અર્થે આદિપુર લઇ જવાયો હતો, જ્યાં સારવાર
દરમ્યાન ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. ટ્રકચાલક સામે વાલજી અરજણ ઝેર
(આહીર)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નિંગાળ ચોકડી પાસેના અકસ્માત અંગે પદ્ધર પોલીસ
મથકે મૃતક પ્રવીણના ભાઇ પ્રદીપે નોંધાવેલી ફરિયાદ મુજબ તેનો ભાઇ પ્રવીણ તા. 4-4ના તેના કબજાની ટ્રક નં. કે.એ.-28- એ.બી.-8492વાળી લઇને સામખિયાળી માંડવી
તરફ જતા હતા ત્યારે નિંગાળ ચોકડી પાસે રોડની વચ્ચે કોરીડોરમાં ઉગાવેલાં વૃક્ષોમાં પાણી
પીવડાવવા ઊભા રાખેલા ટેન્કર નં. જી.કે.-25-યુ- 5341વાળું વાહન
જાહેર રોડ ઉપર પોતાની તથા બીજાની જિંદગી જોખમમાં મૂકે તે રીતે ગફલતભરી રીતે ઊભું રાખી
અને તેની પાર્કિંગ લાઇટ ચાલુ નહીં રાખી તેમજ આગળ-પાછળ કોઇ આડશ ન મૂકી જેનાં કારણે પ્રવીણે
તેની ટ્રક ટેન્કરના પાછળના ઠાઠામાં ઘૂસાડી દેતાં થયેલા અકસ્માતમાં માથાં, મોઢાં તથા છાતીમાં ગંભીર ઇજાના લીધે પ્રવીણનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે
ટેન્કરચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.