ભુજ, તા. 5 : ખાનગી વીમા કંપની પાસેથી હેલ્થ
ઇન્સ. લીધા બાદ હૃદયની શત્રક્રિયાની સારવારના ખર્ચનો દાવો વીમા કંપનીએ નામંજૂર કરતાં
ફરિયાદીએ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરતાં કમિશને દાવો મંજૂર કર્યો
હતો. આ કેસની વિગતો મુજબ બિરલા હેલ્થ ઈન્સ. કું. લિ.વાળા પાસેથી 2021ના પ્રીમિયમ ભરી પોલિસી મેળવી
હતી. બાદમાં ફરિયાદી આકસ્મિક બીમાર થતાં એપેક્સ હાઈ ઈન્સ્ટિટયૂટ અમદાવાદ મધ્યે દાખલ
થયા હતા અને જ્યાં હૃદયની શત્રક્રિયા કરવામાં આવી હતી, જેથી ફરિયાદીએ વીમા કંપનીને થયેલા સારવાર ખર્ચ
રૂા. 2,48,947 મેળવવા દાવો કર્યો હતો અને
તમામ મેડિકલ બિલો તથા ડિસ્ચાર્જ સમરી આપી હતી, છતાં વીમા કંપનીએ દાવો જરૂરી દસ્તાવેજોની પૂર્તતા નહીં કરી ખોટા અને બનાવટી
કારણોસર નામંજૂર કર્યો હતો. આથી ફરિયાદીએ વીમા કંપની સામે વર્ષ 2022ના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ
કમિશન-ભુજ મધ્યે ફરિયાદ અરજી દાખલ કરી હતી. તમામ દસ્તાવેજો આધારો બિલો વગેરે ધ્યાને
લઈ ફરિયાદીની અરજી મંજૂર કરવામાં આવી હતી અને સામાવાળા વીમા કંપનીને ફરિયાદીને થયેલા
સારવાર ખર્ચ વળતર પેટે પૂરેપૂરી રકમ રૂા. 2,48,947 અરજી તારીખથી નવ ટકાના વ્યાજ સહિત ચૂકવવા હુકમ કરવામાં આવ્યો
છે. અરજદારના વકીલ તરીકે એન.ક્યુ. હમદુલે હાજર રહી દલીલો કરી હતી. - ચેક પરતના બે કેસમાં આરોપીઓ
નિર્દોષ : ભુજની ચોથા અધિક ચીફ જ્યુડિ. મેજિ. કોર્ટે
12 વર્ષ કરતાં વધારેના સમયથી ચાલતા
ચેક પરતના એક મહત્ત્વના આરોપી મીરા કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલોપર્સના પ્રોપરાઈટર સતિશ
ઈન્દરજી હેડાઉ (રહે. ભુજ)ને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. ફરિયાદી ચમનભાઈ
ઉમરાણીને બાંધકામ કરવાનું હોઈ ફરિયાદીએ આ કામના આરોપીને બાંધકામ કરાવવા માટે રૂા. 5.51 લાખ આપ્યા હતા. બાંધકામ કરાર
મુજબ આરોપીના વર્તા આરોપીએ ફરિયાદીને રૂા. 5.51 લાખનો ચેક લખી આપ્યો હતો,
જે પરત ફરતાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી પોતાનું કાયદેસરનું લેણું
સાબિત કરવામાં નિષ્ફળ રહેતાં કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા. આરોપી તરફે ભુજના
ધારાશાત્રી સતિશ આર. બુદ્ધભટ્ટી, હેતા એસ. વૈદ્ય, સંદીપ કે. શાહ હાજર રહ્યા હતા. અન્ય કેસમાં ફરિયાદી પ્રભુલાલ પચાણ સેંઘાણીએ
આરોપી રમેશ વિશનજી સથવારા સામે વર્ષ-2023નો ચેક પરતનો કેસ દાખલ કરાવ્યો હતો, જેમાં માંડવીના જ્યુડિશિયલ મેજી. ફ. ક્લાસની
કોર્ટે આરોપી રમેશ સથવારાને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો ચુકાદો આપ્યો હતો. આરોપી પક્ષે
એડવોકેટ નારાણ કે. ગઢવી, કરમણ કે. ગઢવી, ઉમંગ જે. જોષી, રીના એસ. ગઢવી, રક્ષા એ. ગઢવી હાજર રહ્યા હતા. - ગઢશીશા ભુઠીપીરમાં રિવિઝન મંજૂર : ગઢશીશા મધ્યે
આવેલી ભુઠીપીરની દરગાહશરીફ ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં ભુઠીપીર દરગાહ ગઢશીશા તરીકે નોંધણી
નં. 355/કચ્છથી વકફ રજિસ્ટર થઈ છે.
દરગાહની દક્ષિણ દિશામાં ડામર રોડ ગઢશીશા-મઉ જવા માટેનો રોડ આવેલો છે અને તે રોડ બાદ
પણ ભુઠીપીરની દરગાહની જમીનનો દક્ષિણ બાજુ 425 ફૂટના ક્ષેત્રફળમાં સમાવેશ થઈ જાય છે. આ કિસ્સામાં માંડવીના
મામલતદારે સી.આર.પી.સી. કલમ 145 તળે તા. 8/1/2026વાળો સીસી રોડ બનાવવા માટે
કોઈ પક્ષકારે અંતરાય ઊભો કરવો નહીં, તેવો હુકમ કર્યો હતો. જે હુકમ વિરુદ્ધ ગઢશીશા સુન્ની મુસ્લિમ જમાતના નેજા હેઠળ
દરગાહના મુતવલ્લી (આમદ ઈલિયાસ રાયમા)એ સેશન્સ કોર્ટ સમક્ષ રિવિઝન અરજી દાખલ કરી હતી.
જે કોર્ટે મંજૂર કરી મામલતદારે કરેલો હુકમ રદ કરવાનો આદેશ કર્યો છે. આ કેસમાં રિવિઝનર
તરફે વકીલ મજીદ એલ. મણિયાર તથા નિઝાર એમ. ભાંભવાણી, આસીફ ડી.
માંજોઠી હાજર રહ્યા હતા.