• સોમવાર, 06 એપ્રિલ, 2026

કાસેઝમાં કાપડનાં એકમમાં ભીષણ આગ ભભૂકી

ગાંધીધામ, તા. 4 : ગાંધીધામની ભાગોળે આવેલા કંડલા  વિશેષ આર્થિક ઝોનમાં આવેલી એક ખાનગી કંપનીમાં  કોઈ કારણોસર આગ ભભૂકી  ઊઠતાં દોડધામ મચી હતી. બહાર આવેલી વિગતો અનુસાર કાસેઝમાં ટેક્સવૂલ નામનાં કાપડનાં એકમમાં સાંજે 7.30 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. કાપડના એકમમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગના ધૂમાડા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આ આગના  સમાચાર મળતાંની સાથે ગાંધીધામ મહાનગરપાલિકા, કાસેઝ, ટિમ્બર એસોસીએશન, દીનદયાલ પોર્ટ ઓથોરિટીની ફાયર ફાઈટર વિભાગની ટુકડી તાબડતોબ આવી હતી. અગ્નિશમન દળની ટીમોએ  બનાવ સ્થળે આ આગ ઉપર કાબૂ મેળવવા માટે  સતત પાણી મારો કર્યો હતો. આ લખાય ત્યારે આ આગ ઓલવવા માટેનો   પ્રયાસ ચાલુ હોવાની વિગતો સાંપડી હતી. સંભવત શોર્ટસર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ આગના બનાવના કારણે  માતબર રકમનું નુકસાન થયું હોવાની થયું હતું. સદ્ભાગ્યે  આ બનાવમાં જાનહાનિ ટળી હતી. પોલીસ  તપાસના  આધારે આગ બનાવ અંગેનું સાચું કારણ સ્પષ્ટ થશે. નોંધપાત્ર છે કે, કાસેઝમાં થોડા સમય અગાઉ જ એક એકમમાં આગ  લાગી હતી, જેમાં માતબર રકમનું નુકસાન થયું હતું. તેવામાં વધુ  કાસેઝના વધુ એકમમાં આગ લાગવાની ઘટના કારણે દોડધામ મચી  હતી. 

Panchang

dd