ભુજ, તા. 22 : સસ્તાં સોનાંની લાલચમાં ભુજ
આવીને અનેક ઠગાઈ ચૂક્યા છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. રાજસ્થાનના શિકરનો યુવાન
સસ્તાં સોનાંની લાલચમાં આવી 30 લાખ લઈ ભુજ
આવ્યો હતો. તેની પાસેથી 30 લાખ લઈ છેક
બાડમેર સુધી દોડાવ્યો, પણ સોનું ન
મળતાં પરત ભુજ આવવા નીકળ્યો, પણ સમાધાનના બહાને એક લાખ પરત આપ્યા
બાદ ધાકધમકી અને માર મારી સમાધાનનું લખાણ કરાવી લીધું હતું. આ છેતરપિંડી અંગે આજે એ-ડિવિઝન
પોલીસ મથકે શાબાઝ ગુલામ મુર્તઝા ચૌહાણ-મુસ્લિમ (રહે. ફતેહપુર, જિ. શિકર, રાજસ્થાન)એ નોંધાવેલી ફરિયાદ મુજબ ત્રણેક માસ
પૂર્વે તેને તેનો કોલેજકાળનો મિત્ર ભાકીર નાસીર અહેમદ (રહે. શિકર મળ્યો હતો. તેણે જણાવ્યું
કે, ગુજરાતના ભુજમાં મારે સોનાંનું એક કામ છે. તું મારી સાથે
ચાલ. આથી ફરિયાદી અને તેનો મિત્ર ભાકીર ભુજ આવી યોગેશ સાથે સોનાંની ડીલ કરી હતી અને
ફરિયાદીને ભાકીરે જણાવ્યું કે, તારે પણ બજારભાવ કરતાં સસ્તું
સોનું લેવું હોય તો યોગેશભાઈ આપશે. આથી ભાકીર પાસેથી યોગેશના મોબાઈલ નંબર મેળવ્યા હતા.
બાદમાં ડિસેમ્બર માસમાં યોગેશ સાથે વાતચીત થતાં 31/12ના ફરિયાદી ત્રીસ લાખ લઈને
સસ્તું સોનું લેવા રાજસ્થાનથી ભુજ આવ્યો હતો. યોગેશને ફોન કરતાં તેની જીલાનીનગર ખાતેની
ઓફિસે લઈ ગયો હતો, જ્યાં સોનું
હાજી સાહેબ પાસે હોવાનું કહી હાજી સાહેબને ત્યાં બોલાવ્યા હતા. ફરિયાદીએ 30 લાખ આપી સોનું માગતાં તેઓએ
જણાવ્યું કે, હાલ ચેકિંગ ઘણી છે. આથી
તમે બોર્ડર ક્રોસ કરી નાખો ત્યાં તમને સોનું મળી જશે અને બાડમેર જવાનું કહ્યું હતું.
બાડમેર પહોંચી હાજી સાહેબને કોલ કરતાં તેણે જણાવ્યું કે, માણસ
આવશે તે તમને સોનું આપી દેશે, પરંતુ માણસ ન આવતાં ફરિયાદી ફરી
પાછો બસમાં ભુજ આવવા નીકળ્યો હતો અને રસ્તામાં તેમને યોગેશના મિત્ર અહેમદભાઈનો ફોન
આવ્યો હતો અને જણાવ્યું કે, યોગેશભાઈને ત્યાં રેડ પડી છે. તમે
ભચચાઉ આવો ત્યાં હું તમારું સમાધાન કરાવી આપું છું. આથી તા. 5/1ના ફરિયાદી ભચાઉ પહોંચી અહેમદભાઈને
મળતાં તેણે કહ્યું કે, હું મારી રીતે
સમાધાન કરાવવાની કોશિશ કરું છું. બીજા દિવસે અંજારમાં એક વકીલની ઓફિસે બોલાવ્યા જ્યાં
અહેમદશા અને યોગેશ હતા. તેઓએ સમાધાનનું લખાણ કરવાનું કહેતાં ફરિયાદીએ પોતાન પૈસા પરત
માગ્યા હતા અને લખાણની ના પાડતાં બન્નેએ ધાકધમકી કરી કહ્યું કે, લખાણ નહીં કર તો પૈસા પાછા નહીં મળે. લખાણ જોતાં તેમાં યોગેશનું સાચું નામ
કાસમશા શેખ હોવાનું અને ખોટું નામ જણાવી સસ્તાં સોનાંની લાલચ આપી છેતરપિંડી કરી છે
અને લખાણમાં પચ્ચીસ લાખ પાછા આપવાનું લખ્યું હતું, પરંતુ ફરિયાદીએ
ત્રીસ લાખ આપ્યા હોવાથી સહી કરવાની ના પાડતાં ધક-બૂસટનો માર મારી ધાકધમકી કરી એક લાખ
પરત આપી લખાણમાં સહી કરાવી લીધી હતી. આ બાદ ફરિયાદ ભુજ આવી એલસીબી કચેરીએ આવી વિગતો
જણાવતાં ફોટા બતાવ્યા હતા, જેમાં યોગેશનું સાચું નામ રમજુ કાસમશા
શેખ (રહે. શેખ ફળિયું, ભુજ), હાજી સાહેબનું
સાચું નામ અનવરખાન આમદખાન પઠાણ (ભુજ) તથા અહેમદભાઈનું સાચું નામ આમદશા જુસબશા શેખ
(રહે. ધમડકા, તા. અંજાર)વાળાઓએ એકસંપ કરી કાવતરું રચીને છેતરપિંડી
કર્યાની ફરિયાદ નોંધાવી છે. તપાસ એલસીબીના પી.આઈ. અશોક મકવાણાએ હાથ ધરી છે.