દયાપર (તા. લખપત), તા. 13 : ગુજરાત ખનિજ
વિકાસ નિગમ લિ.ના અકરી મોટા થર્મલ પાવર સ્ટેશનના એમ.એચ.પી. વિભાગમાં બ્રેકર બ્લાસ્ટ
થતાં કર્મચારીને ગંભીર ઇજાઓ થઇ હતી અને ત્વરિત ભુજ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો.
ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (ગુજરાત)ના ડાયરેક્ટરને લખેલા પત્રમાં લખપત તાલુકા
ભાજપના પૂર્વ મહામંત્રી હરેશભાઇ દવેએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી મોટી છેર ખાતે આવેલા થર્મલ પાવર સ્ટેશનમાં
અકસ્માતો થઇ રહ્યા છે. સલામતીના નિયમોના અભાવે તેમજ તંત્રની બેદરકારીથી કામદારોના જીવ
જોખમમાં મુકાઇ રહ્યા છે. પાવર જનરેશનના ટાર્ગેટ પૂરા કરવા તેમજ પૂરતી સુરક્ષા વગર કામ
કરવા મજબૂર કરાય છે. આ અકસ્માતની તપાસ કરી શિસ્તભંગ બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ
સામે ફોજદારી કરવા માંગ કરાઇ છે. મટીરિયલ હેન્ડલિંગ પ્લાન્ટ (એમ.એચ.પી.)ના કર્મચારી
રમેશ ગોસ્વામીને ગંભીર ઇજાઓ થઇ છે. અગાઉના એક અકસ્માતમાં યુવાન કર્મચારીનું મૃત્યુ
થયું તેને માંડ દોઢ મહિનો થયો છે ત્યારે વારંવાર અકસ્માત થાય તે સુરક્ષામાં બેદરકારી
હોવાનો આક્ષેપ શ્રી દવેએ કર્યો હતો. આ બાબતે વીજમથકના જનરલ મેનેજર જનાર્દન દવેનો સંપર્ક
કરતાં તેમણે એમ.એચ.પી. વિભાગના અધિકારી માહિતી આપશે તેવું જણાવ્યું હતું. ખુદ જનરલ
મેનેજર હોવા છતાં જુનિયર અધિકારી પર `ખો' આપી હતી.