ગાંધીધામ, તા. 12 : અંજારના
ભીમાસરમાં આવેલી કંપનીની દીવાલ કૂદી નિશાચરોએ તેમાંથી રૂા. 1,83,750ના
એલ્યુમિનિયના ભંગારની ચોરી કરી હતી. બીજી બાજુ ભચાઉના આંબલિયારા અને જંગી સીમમાં
ત્રણ પવન-ચક્કીઓમાંથી રૂા. 2,03,000ના વાયરની તફડંચી કરાઇ હતી.
ભીમાસરમાં આવેલી મેટનેર લિમિટેડ નામની કંપનીમાં ગઇકાલ સાંજથી આજે સવાર દરમ્યાન
નિશાચરોએ હાથ માર્યો હતો. આ કંપનીની દીવાલ કૂદી તસ્કરો અંદર આવ્યા હતા અને
યાર્ડમાં પહોંચી અહીંથી 35 કિલોના 25 એલ્યુમિનિયમ
ક્રેપના 25 બોક્સની ઉઠાંતરી કરી હતી. રૂા. 1,83,750ના
ભંગારની આ ચોરી અંગે કંપનીના મેનેજર સંઘડના મજાભાઇ સવા અવાડિયાએ પોલીસ મથકે ફરિયાદ
નોંધાવી હતી. તસ્કરો કોઇ મોટું વાહન લઇને આવ્યા હોવાની શક્યતાના પગલે આગળની તપાસ
પોલીસે હાથ ધરી છે. ભચાઉના આંબલિયારા,
જંગીમાં સુઝલોન એનર્જી પ્રા. લિમિટેડ કંપનીની પવનચક્કીઓ આવેલી છે. આ
પવનચક્કી પૈકી એસ-18માંથી 1409 મીટર
વાયર, એસ-120માંથી 105 મીટર
તથા પવનચક્કી નંબર એસ-108માં 110 મીટર
એમ કુલ 1624 મીટર વાયર કિંમત રૂા. 2,03,000ની
તસ્કરી નિશાચરોએ કરી હતી. કંપનીના યોગીરાજસિંહ ભરતસિંહ જાડેજાએ અજાણ્યા શખ્સો સામે
ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સોએ પીકઅપ ડાલા જેવું વાહન લઇ આવી તાળાં તોડી ધારદાર
હથિયારથી વાયરો કાપી તેમજ પવનચક્કીઓમાં નુકસાન કરતા ગયા હતા.