• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

બી.કે.ટી. પાસે બાઇકસવાર દંપતિને ડમ્પરે હડફેટે લેતાં પતિનું મોત

ભુજ, તા. 12 : ભચાઉ-ભુજ ધોરીમાર્ગે પદ્ધર-કનૈયાબે પાસેની બી.કે.ટી. કંપની નજીક રવિવારે ભરાતી બજારમાં ખરીદી માટે બાઇકથી નીકળેલા પરપ્રાંતીય આદિવાસી દંપતીને ડમ્પરે અડફેટે લેતાં 28 વર્ષીય અજયકુમાર લલ્લુભાઇ ઉર્ફે લાલુભાઇ બિલવાળ (આદિવાસી)નું ગંભીર ઇજાને પગલે મોત નીપજ્યું હતું. બીજીતરફ આજે ભુજના હમીરસરમાં ગામના 39 વર્ષીય યુવાન વરુણ દામજીભાઇ પલણ (ઠક્કર)એ મોતની છલાંગ લગાવી હતી. આ અકસ્માતને પગલે અસ્થિભંગ સહિતની ઇજા પામેલી પત્ની શિલ્પાબેન (રહે. મૂળ મહિસાગર જિલ્લાની હાલા કાળી તલાવડી)એ પદ્ધર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 11/1ના બપોરે પતિ અજયકુમાર અને તે બાઇક નં. જી.જે. 17-બી.ક્યુ. 3245 વાળી લઇને બી.કે.ટી. કંપની પાસે રવિવારે ભરાતી બજારમાં ખરીદી માટે નીકળ્યા હતા. બી.કે.ટી.ના ગેટ નં. 4 સામે રોડ પર ડમ્પર નં. જી.જે. 13-સી.ટી. 8837 વાળીએ પૂરઝડપે-બેદરકારીથી ડમ્પર ચલાવી બાઇકને ટક્કર મારતાં બાઇકચાલક અજયકુમારને ગંભીર ઇજા થતાં સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા અને તેમને શરીરે નાની-મોટી ઇજા તથા પગમાં અસ્થિભંગની ઇજા થયાનું ફરિયાદમાં લખાવ્યું છે. પોલીસે માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા અંગે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજીતરફ આજે ભુજના હમીરસર તળાવમાંથી વરુણ પલણ નામના યુવાનની લાશ મળી હતી. શરૂમાં અજાણ્યા યુવાનની લાશ મળતાં એ-ડિવિઝન પોલીસે તેની ઓળખ જાણવા છાનબીન કરી હતી. આ બાદ વાલી વારસ મળી ગયા હતા. પ્રાથમિક પૂછતાછમાં વરુણભાઇ માનસિક રીતે અસ્વસ્થ હોવાથી તેની દવા ચાલુ હતી. આ ઉપરાંત આર્થિક ભીંસે પણ ઘેરી લીધી હતી. આમ હતાશામાં તેમણે અંતિમ પગલું ભરી લીધાનું પોલીસ સમક્ષ સામે આવ્યું છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Panchang

dd