ભુજ, તા. 12 : અહીંની
અદાલતે માતાના રજિસ્ટર્ડ વીલને પડકારી ભાઈને મળેલી મિલકતમાં ભાગ મેળવવા માટે બહેન
દ્વારા કરવામાં આવેલી મનાઈ હુકમની અરજી રદ કરવાનો ચુકાદો આપ્યો છે. આ કેસની વિગતો
મુજબ અમૃતલાલ દેવજી પરમારે વર્ષ 1981માં રવાણી ફળિયામાં મકાન
ખરીદ્યું હતું. તેમનું વર્ષ 1996માં અવસાન થતાં વારસાઈ દાખલ
કરવામાં આવી ન હતી. ત્યારબાદ વર્ષ 2001ના વિનાશક ભૂકંપમાં મિલકત
ધરાશાયી થતાં સરકારે તે મિલકત પોતાના હસ્તક લઈ મુંદરા રિલોકેશન સાઈટ પ્રમુખસ્વામી
નગરમાં અમૃતલાલ પરમારના વિધવા ચંપાબેન અમૃતલાલ પરમારના નામે પ્લોટ નં. 472/સી
મંજૂર કર્યો હતો, જેમાં તેમની પુત્રી જયશ્રીબેન અમૃતલાલ પરમારે સાક્ષી તરીકે સહી પણ કરી
હતી. ચંપાબેને આ પ્લોટ ઉપર લોન લઈને રહેણાક મકાન બનાવ્યું હતું અને પોતાની
હયાતીમાં રજિસ્ટર્ડ વીલ દ્વારા તે મિલકત પોતાના પુત્ર ગૌતમને સોંપી હતી. આ વીલના
આધારે ગૌતમે મિરજાપર ગ્રામ પંચાયત તથા ભુજ નગરપાલિકા કચેરીમાં પોતાના નામે મિલકત
ટ્રાન્સફર કરાવી હતી. જેના પગલે બહેન જયશ્રીબેને વીલને પડકારી ભાઈ સાથે પોતાનો પણ
હક્ક-હિસ્સો હોવાનું જણાવી ભુજની અદાલતમાં મનાઈ હુકમની અરજી દાખલ કરી હતી. ભુજની પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજની અદાલતે
બહેનની મનાઈ હુકમની અરજી રદ કરવાનો હુકમ કર્યો છે. કેસમાં પ્રતિવાદી તરફે એડવોકેટ
રાજેન્દ્ર બી. સેજપાલ, રિયા આર. સેજપાલ તથા હરેશ એમ.
મહેશ્વરી હાજર રહ્યા હતા.
જામીન રદ કરવાની અરજી કોર્ટે
કાઢી નાખી
ગત તા. 2/2/25ના
ભુજનાં જી.કે. જનરલ હોસ્પિટલના ઈમર્જન્સી ગેટ ઉપર થયેલા ખૂનના પ્રયાસમાં ત્રણે
આરોપીઓ હાઈકોર્ટ તરફથી જામીન મળ્યા હતા,
જેમાં હાઈકોર્ટે શરત ફરમાવી કે આરોપીઓએ એક વર્ષ સુધી કચ્છ જિલ્લામાં
પ્રવેશ કરવો નહીં. આ બાબતે મામદ ભોરિયાએ ભુજ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
કરેલી કે, આ ત્રણેય આરોપીઓએ હાઈકોર્ટના હુકમનો અનાદર કર્યો
છે અને તે ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જેની તપાસ પોલીસ કરી અને
પોલીસે તપાસમાં ઈસ્માઈલ નૂરમામદ સમા (ભુજ)માં બુલેટથી ફરતો હોય તેવા પોલીસ વિભાગના
સીસીટીવી ફુટેજ (નેત્રમ)ના કબજે કરેલા અને મોબાઈલની સીડીઆર કબજે કરેલી અને
સાહેદોના નિવેદનો નોંધેલા તેમજ અન્ય આરોપીઓના મોબાઈલ લોકેશન કાઢી તપાસ કરી અને
આરોપીઓને મળેલ જામીન રદ કરાવવા મુખ્ય સેસન્સ જજ સમક્ષ અરજી કરી હતી. બાદ મૂળ
ફરિયાદી તથા સરકાર તરફે ડિસ્ટ્રીક્ટ કોર્ટ જામીન રદ કરવાની દાખલ કરતાં આ કામે મૂળ
ત્રણે આરોપી તરફે એડવોકેટ બી.એસ. ગોરડિયાનાઓ હાજર રહેલા. જામીન રદ કરવા માટે કરેલી
અરજી ખોટી, મલિન અને ઉપજાવી કાઢેલી છે તથા હેરાન કરવાના
ઉદ્દેશથી કરવામાં આવી છે તેવી રજૂઆતોને કોર્ટે ગ્રાહ્ય રાખી, પોલીસ તથા ફરિયાદીની અરજીને રદ કરી છે. ત્રણે આરોપી તરફે એડવોકેટ બી.એસ.
ગોરડિયા હાજર રહ્યા હતા.
વરલી : રિવિઝન અરજી નામંજૂર
સામંત મઝા બરાડિયાના વારસદારોએ
વરલી ગામની જમીન બાબતે મજા કસા બરાડિયાએ શંભુ રાધુ બરાડિયાની તરફેણમાં બનાવેલા
વસીયતનામાના આધારે દાખલ કરવામાં આવેલી નોંધને રદ કરાવવા માટે નાયબ કલેક્ટર સમક્ષ
દાખલ કરેલી અપીલ નામંજૂર થતાં કલેક્ટરની કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી.
વાદગ્રસ્ત જમીન બાબતે મજા કસા બરાડિયાએ અલગ-અલગ વિલ બનાવ્યા છે અને વીલ મુજબ
રેવેન્યૂ રેકર્ડમાં રાણીબેન રાધુ તથા શંભુ રાધુ બરાડિયાનાં નામે નોંધ દાખલ થયેલી
છે. એપેલન્ટે દ્વારા રજિસ્ટર્ડ વીલ બાબતે વિવાદ ઉપસ્થિત કરવામાં આવ્યો છે, પરંતુ વીલની કાયદેસરતા
નક્કી કરવાના અધિકારો સિવિલ કોર્ટને છે અને સિવિલ કોર્ટમાં મામલો ન્યાયાધિન છે,
તેવા સંજોગોમાં રેવેન્યૂ રેકર્ડે દાખલ થયેલી નોંધ રદ કરવી યોગ્ય નથી,
તેવી દલીલાના અંતે રિવિઝન અરજી નામંજૂર કરતો આદેશ કર્યો હતો.
કોડકી : ખેતરમાં રસ્તો ખુલ્લો
રાખવાનો દાવો મંજૂર
પ્રેમજી નારાણ ખેતાણીએ તેમની
માલિકીની કોડકી ગામે આવેલી ખેતીની જમીનમાં આવવા-જવાના રસ્તા ઉપર અરજણ લાલજી
ખેતાણીએ દીવાલ બાંધી રસ્તાને ખેડી નાખી પોતાની જમીનમાં ભેળવી દેતાં તે રસ્તો તથા
પાણીનો ધોરિયો ખુલ્લો રાખવા દાવો દાખલ કર્યો હતો. આ દાવો ચાલી જતા પાંચ સાહેદ તથા 17 દસ્તાવેજી
આધારો ધ્યાને લઈને બીજા અધિક સિનિયર સિવિલ જજ કે.એ. ડાભીએ દાવો મંજૂર કરી રસ્તો
ખુલ્લો રાખવા આદેશ કર્યો છે. ઉપરાંત બંને કેસમાં રિવિઝન કામે સામેવાળાના તથા આ
દાવા કામે વાદીના વકીલ તરીકે દેવાયત એન. બારોટ, ખીમરાજ ગઢવી અને તેમની સાથે ઉમૈર સુમરા,
રામ ગઢવી, રાજેશ ગઢવી, જય
કટુઆ, અંકિત ભાનુશાલી હાજર રહ્યા હતા.