• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

આધોઈ 1.06 કરોડના સોપારીકાંડમાં પકડાયેલા સાતેયના ત્રણ દિ'ના રિમાન્ડ મંજૂર

ગાંધીધામ, તા. 12 : ભચાઉના આધોઈ-શાહુનગરમાં આવેલાં મકાનમાં આવેલી રૂા. 1,06,60,000ની સોપારીકાંડમાં પકડાયેલા સાતેય આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. સોપારી લેવાવાળા, વચેટિયા, માલ આપનારાનો માણસ વગેરે ઝડપાયા છે, ત્યારે આ સોપારી કોણે વેચવા કાઢી હતી, તે દિશામાં આગળની તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આધોઈ-શાહુનગરમાં હિરેન ઈશ્વરપુરી ગોસ્વામીનાં મકાનમાં સોપારી ઊતરી રહી હતી, તેવામાં અચાનક આવેલી પોલીસે અહીંથી ટ્રેઈલર નંબર જીજે-12-બીવાય-4537ના ચાલક દીપારામ ભોજારામ જાટ (રહે. બાડમેર) તથા સોપારી ખરીદી કરવા આવેલા એજાઝ જમીલ સોરઠિયા (રહે. સરખેજ, અમદાવાદ), મહમદ ઈકબાલ આરબિયાણી (રહે. જે.પી. ચોક, અમદાવાદ), વચેટિયા એવા અંજારના પરેશ જયંતીલાલ શાહ અને માલ મોકલનાર શખ્સનો માણસ આનંદકુમાર સરસચંદ્રસિંઘ અને આધોઈના મનિષ રઘુનાથ નાથબાવા નામના શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. કાસેઝ અને મુંદરામાં શિપિંગનું કામ કરનાર આનંદકુમારે માલ વેચવા કાઢયો હતો. પરેશ શાહે વચેટિયા તરીકે ભૂમિકા અદા કરી અમદાવાદથી પાર્ટી બોલાવી પોતાની પત્નીના ભત્રીજા હિરેન ગોસ્વામીનાં મકાન પર માલ ઉતારવાની વ્યવસ્થા ગોઠવી હોવાનું અત્યાર સુધીની પોલીસ તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. પાઈલટિંગ કરીને અહીં આવેલાં ટ્રેઈલર તથા મકાનમાંથી સરહદી રેન્જના સાયબર સેલે રૂા. 1,06,60,000ની સોપારીની 368 બોરી 26,650 ટન માલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન કાર નંબર જીજે-38-બીએ-2800, જીજે-18-બીએમ-5834 અને 10 મોબાઈલ, લેપટોપ વગેરે રૂા. 1,51,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ શખ્સોએ તા. 6/1/2026નું એક ઈ-વે બિલ જનરેટ કર્યું હતું, જેમાં કર્ણાટકથી અંજાર સોપારીનો જથ્થો જતો હોવાનું જણાવાયું હતું, પરંતુ તેમાં પણ વાહન નંબરનો ઉલ્લેખ કરાયો ન હતો. રસ્તામાં કોઈ પકડે તો આ ખોટું બિલ બતાવીને આગળ વધવાનો મોકો મળે તેવો મનસૂબો આ ટોળકીનો હતો. આધાર-પુરાવા વગરની સોપારીનો જથ્થો શિપિંગનું કામ કરનારા આનંદકુમારે અહીં પહોંચાડયો હતો. તેને આ જથ્થો અહીં પહોંચાડવા માટે તેના આકા કોઈ ફોરેનની એપ્લિકેશન થકી તેને આદેશ આપતા હોવાનું બહાર આવ્યું હતું. આ સોપારી ક્યાંથી આવી? મોકલનાર કોણ છે? તે સહિતની વિગતો માટે સાતેય શખ્સને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં તમામના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ખરેખર આ સોપારી મુંદરાથી કે કાસેઝમાંથી નીકળી હતી. મુખ્ય સૂત્રધાર કોણ છે, તે સહિતની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Panchang

dd